BREAKING NEWS

જામનગર : નવસારીના વેપારીને હરીયાણાની પેઢીએ રૂ. ૨.૬૬ કરોડની લેણી રકમ વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ

  • December 08, 2025 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવસારી મુકામે એ.એસ. એન્ટરપ્રાઈઝ આવેલ છે અને તેના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ છે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ટ્રેડીંગનો વ્યવસાય કરે છે. તેમની પાસેથી હરિયાણાની પેઢી જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ દ્વારા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટનો માલ ઉધારથી ખરીદ કરવામાં આવેલ અને જેનાં બીલ તથા લેઝર મુજબ રૂ.૨,૬૬,૬૩,૮૦૨ થતાં હતાં. જે માલ એ.એસ.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલને મોકલી આપવામાં આવેલ. 


ત્યારબાદ એ.એસ. એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા પોતાના કાયદેસરનાં માલનાં બીલની રકમની માંગણી જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક પાસે કરવામાં આવતાં થોડા સમયમાં ચૂકવી આપીશું તેવું જણાવેલ, પરંતુ રકમ ચુકવવામાં આવેલ નહી. જેથી એ.એસ.એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા તેમનાં વકીલ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ અને રકમની માંગણી કરવામાં આવેલ, પરંતુ જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ દ્વારા રકમ ચુકવવામાં આવેલ નહિં.


જેથી નારાજ થઇ એ.એસ. એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા તેમનાં જામનગરના વકીલ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેના માલિક સુમન દલાલ વિરૂધ્ધ નવસારીના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં રૂ.૨,૬૬,૬૩,૮૦૨ની કાયદેસરની લેણી નીકળતી રકમ વસુલ મેળવવા દાવો દાખલ કરવામાં આવેલ અને જે દાવો ચાલી જતા નવસારીની અદાલત સમક્ષ એ.એસ.એન્ટરપ્રાઈઝના ધારાશાસ્ત્રીની વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને અદાલતમાં તમામ આધાર પુરાવાઓ રજુ કરી અને હુકમનામું મેળવવા માટે રજુઆતો કરવામાં આવેલ. જે આધાર પુરાવા અને દલીલો ધ્યાને લઇ નવસારીની અદાલત દ્વારા વાદીનો દાવો મંજુર કરી દાવાની રકમ રૂ.૨,૬૬,૬૩,૮૦૨ જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલએ વાદી એ.એસ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવને ૬ % વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે. વાદી એ.એસ.એન્ટરપ્રાઈઝ નવસારીની પેઢી વતી જામનગરના યુવા વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application