ચલાલા ભાજપ સાશિત નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો વચ્ચે ચાલતા ગજગ્રાહના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. પાલિકાના પ્રમુખ પદેથી નયનાબેન વાળાએ સ્વૈચ્છીક રાજીનામુ કલેક્ટરને ધરી દેતા અમરેલી જિલ્લાના રાજકારણમાં ઠંડીમાં પણ ગરવામો આવ્યો છે. પાલિકાના 20 સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત અંગે કલેકટર દ્વારા આજે મિટિંગ બોલાવી હતી. મિટિંગમાં દરખાસ્ત પસાર થાય પૂર્વે જ પ્રમુખે બાંધી મુઠી રાખી કૌટુંબિક વ્યસ્તતાનું કારણ આગળ ધરી પ્રમુખ પદની ખુરશી છોડી હતી. ભારતીય જનતા પાર્ટી શિસ્તતાની પાર્ટી હોવાનું ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ અહીં પાલિકાના ભાજપના જ 20 સભ્યો પાર્ટી લાઈનમાં ન ચાલ્યા હોવાનું સમગ્ર ઘટના ક્રમમાં જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ ગઈકાલે કલેકટરને પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા પાલિકાના અસંતુષ્ટ સભ્યોમાં રાજીપો છવાઈ ગયો હતો. વન-વે ભાજપ પાલિકાના 24 પૈકી 20 સભ્યોએ પાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવચંદભાઈ માલવિયાની સામે જુદા જુદા આક્ષેપો સાથેની અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ભાજપ અને ધારાસભ્ય દ્વારા સભ્યોને સમજાવવા માટે વખતો વખતની મીટીંગ કરી અસંતુષ્ટ સદસ્યઓ અને પ્રમુખ, ઉપપ્રમુખ સાથે સંકલન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ. અવિશ્વાસની દરખાસ્ત બાદ નિયત સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખએ મીટીંગ નહીં બોલાવતા આખરે કલેક્ટરએ તા.24ના નગરપાલિકા હોલમાં સવારે અવિશ્વાસની દરખાસ્તના કામ માટે સામાન્ય સભા બોલાવી હતી. તે સામાન્ય સભા પૂર્વે જ 24 કલાક અગાઉ નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ કલેકટર ઓફિસમાં રૂબરૂ જઈ પોતાના પદનું પ્રમુખ તરીકેનું કૌટુંબીક વ્યસતાનુ કારણ ઘરી રાજીનામું આપી દીધું છે. હવે આજે કલેકટરએ બોલાવેલ સામાન્ય સભામાં અસંતુષ્ટ સદસ્યોનુ જૂથ નગરપાલિકાના ઉપપ્રમુખ ની સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે છે કે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચે છે તેની પર સૌની મિટ મંડાઇ રહી છે.
રાજ્યમંત્રી, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પાલિકાની આબરૂ બચાવી ન શક્યા
ચલાલા ભાજપ સાશિત પાલિકામાં પ્રમુખ, ઉપ પ્રમુખ અને સદસ્યો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર ફૂટે ઘર જાયની જેમ સંલકન, ભ્રસ્ટાચાર સહિતની બાબતે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થતા મામલો જગ જાહેર થઇ સપાટી ઉપર આવી ગયો હતો. જેને લઈને ધારાસભ્ય કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાનાણીએ મીટીંગોનો દૌર કરી ઘી ના ઠામમાં ઘી પાડવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ અંતે નિરર્થક બનતા ભાજપ પોતાનું ઘર જ ન સાચવી શકી તેની જેમ પાર્ટીના મેન્ડેન્ટ ઉપર ચૂંટાયેલા 20 સભ્યોને મનાવવા ધારાસભ્ય અને આખું જિલ્લા ભાજપ અસફળ રહ્યું હતું જેના કારણે અંતે ભાજપની આબરૂનું ધોવાણ થયું છે. અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે, રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના જિલ્લામાં જ ભાજપના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ભાજપના જ સભ્યોએ મુકતા રાજકીય ચર્ચા પણ તેજ બની છે.