BREAKING NEWS

હનુમાનમઢી ચોક પાસે મહિલા એડવોકેટે એસટી બસના ડ્રાઇવર સાથે બબાલ કરી ચાવી લઇ લીધી

  • May 09, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના હનુમાનમઢી ચોક પાસે એસ.ટી બસના ડ્રાઇવર સાથે એકસેસ ચાલક મહિલા એડવોકેટ મહિલાએ બસ આડે પોતાનુ વાહન રાખી દઇ બસ ડ્રાઇવર સાથે ઝઘડો કર્યો હતો. જેના પગલે અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. એક પેસેન્જરે આ આ મહિલાને સમજાવવાનો પ્રયાસ કરતા તેની સાથે પણ માથાકૂટ કરી હતી. એટલું જ નહીં બસની ચાવી ડ્રાઇવર પાસેથી લઇ લીધી હતી. આ અંગે એસ.ટી બસના ડ્રાઇવરની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મહિલા એડવોકેટ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


જામનગર એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી બસના ડ્રાઇવર કમલેશભાઈ અરશીભાઈ કદાવલા (ઉ.વ.45 રહે. રણજીતસાગર રોડ, ઇવા પાર્ક, જામનગર) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહિલા વકીલ નેહાબેન ગાંધીનું નામ આપ્યું છે.


એસ.ટી ડ્રાઇવરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના 9:30 વાગ્યા આસપાસ તેઓ જામજોધપુરના ધૂનડાથી રાજકોટ રૂટની સરકારી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8305 માં ડ્રાઇવર તરીકેની ફરજ પર હોય તેઓ રાજકોટના રૈયા ચોકડીએ પહોંચતા રૈયા ચોકડીથી હનુમાનમઢી તરફ જવા વળાંક લેતા આગળ રીક્ષા ઉભી હોય જેથી હોર્ન મારી બસ ચલાવી હતી. દરમિયાન સ્કૂટર ચાલક બહેન ડ્રાઇવર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.


બાદમાં ડ્રાઇવર બસ લઈ રૂટ તરફ આગળ નીકળતા હનુમાનમઢી ચાર રસ્તા પાસે પહોંચતા આ બહેને પોતાનું સુઝુકી એક્સેસ નંબર જીજે 3 કેએમ 304 એસ.ટી બસની આડે રાખી બસ ઉભી રખાવી ઝઘડો કરવા લાગ્યા હતા કે, તમે શું કામ ભારે વાહન શહેરની અંદર લઈને આવો છો તમને કોણે પરમિશન આપી? તેમ કહી ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. ડ્રાઇવરે આ બહેનને તેમનું નામ પૂછતા તેણે કહ્યું હતું કે હું નેહાબેન ગાંધી, એડવોકેટ છું. દરમિયાન બસમાં બેઠેલા પેસેન્જરમાંથી એક પેસેન્જર બહાર આવ્યા હતા અને આ બહેનને કહેવા લાગ્યા હતા કે, અમારે વિલંબ થાય છે તમે તમારું વાહન સાઈડમાં લઈ લો એસ.ટી બસને આગળ જવા દો તેમ છતાં આ બહેન ડ્રાઇવર અને આ પેસેન્જર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આટલેથી ન અટકતા આ મહિલાએ એસટી બસની ચાવી ડ્રાઇવર પાસેથી લઈ લીધી હતી અને પોતાનું વાહન બસની આગળથી હટાવ્યું ન હતું.


મહિલા એડવોકેટેડ કરેલા આ ઘર્ષણના લીધે એસટી બસને રાજકોટ ડેપો સુધી પહોંચવામાં વિલંબ થયો હતો. આ અંગે એસ.ટી બસના ડ્રાઇવરની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે મહિલા એડવોકેટ નેહાબેન ગાંધી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા એડવોકેટે એસટી બસના ડ્રાઇવર અને મુસાફર સાથે કરેલી આ બોલાચાલીની ઘટનાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application