અમદાવાદના બહુચર્ચિત અને ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન, અકસ્માત સમયે તેની જેગુઆર કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપના મુદ્દે કોર્ટમાં ફરી ગયા છે અને તેમને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, કાયદાકીય નિષ્ણાતો અને સરકારી વકીલના મતે આ સાક્ષીઓ ફરી જવા છતાં સમગ્ર કેસ પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નહિવત છે, કારણ કે પોલીસ તંત્ર પાસે આ દુર્ઘટનાના અત્યંત મજબૂત સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ ઉપલબ્ધ છે.
અકસ્માત સમયે જેગુઆર કારમાં તથ્ય પટેલ સાથે બેસેલા તેના 5 મિત્રો માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલે ટ્રાયલ દરમિયાન ગાડીની ગતિ મામલે પોતાના અગાઉના નિવેદનથી પલટી મારી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ સાક્ષીઓએ અગાઉ CrPC કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું કે અકસ્માત સમયે તથ્ય ખૂબ જ પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેમણે ગાડી ધીમી કરવા માટે ટોક્યો હોવા છતાં તે માન્યો ન હતો. પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જુબાની દરમિયાન જ્યારે સરકારી વકીલે પોલીસ નિવેદન અંગે સવાલ પૂછ્યો, ત્યારે આ સાક્ષીઓએ ફરી જઈને કહ્યું હતું કે ગાડી સ્પીડમાં નહોતી.
આ સમગ્ર મામલે સરકારી વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કારની વાસ્તવિક સ્પીડ તો ટેકનિકલ પુરાવાઓના આધારે કોર્ટમાં સાબિત થઈ જ જશે. આરોપીના મિત્રો હોવાથી તેઓ બચાવ કરવાનો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. વધુમાં, CrPC કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા બાદ જો સાક્ષીઓ કોર્ટમાં ફરી જાય, તો કેસનો અંતિમ ચુકાદો આવે ત્યારે કોર્ટ નક્કી કરે છે કે ખોટી જુબાની બદલ તેઓને સજા કરવી કે નહીં.
નોંધનીય છે કે 19 જુલાઈ 2023 ની રાત્રે ઈસ્કોન બ્રિજ પર બેફામ ગતિએ જેગુઆર કાર દોડાવીને તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. અંદાજે પોણા 3 વર્ષ જેલમાં રહ્યા બાદ થોડા મહિના પહેલા જ તથ્યને જામીન મળ્યા હતા. આ કેસમાં કુલ 190 જેટલા સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં 36 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે, જ્યારે હજુ RTO ઇન્સ્પેક્ટર, FSL અધિકારીઓ, જેગુઆર કંપનીના નિષ્ણાત કર્મચારી અને નજરે જોનારા સાક્ષીઓની જુબાની બાકી છે.