દેશની સાથે ગુજરાતમાં પણ વસતી ગણતરી-૨૦૨૭ની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ નવી વસતી ગણતરી અંતર્ગત ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી શહેર-જિલ્લાની સીમમાં ફેરફાર કરી શકાશે નહીં. આટલું જ નહીં શહેરમાં ઝૂંપડપટ્ટીઓની વસતી ગણતરી માટે સ્લમ બ્લોકની રચના અને ઓળખ કરવા જામનગર સહીત રાજયના તમામ કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્ર્નરને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આટલું જ નહીં બીન વસવાટી ગામ અને પેટાપરાનો સમાવેશ કરી સંપૂર્ણ અધતન યાદી અને તાલુકાના નકશા મોકલવા પણ આદેશ કરાયો છે. આ યાદી કે નકશામાં ભૂલ કે ચૂક રહેશે તો તાલુકા મામલતદાર, મુખ્ય અને વહીવટી અધિકારી જવાબદાર રહેશે.
ભારત સરકાર દ્રારા વસતી ગણતરી-૨૦૨૭માં કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના પ્રથમ તબકકામાં ઘરયાદી અને મકાનોની ગણતરી અને બીજા તબકકામાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. દેશની સાથે ગુજરાતમાં પણ વસતી ગણતરી-૨૦૨૭ની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે. આટલું જ નહીં રોજ નવા નવા પરિપત્રો કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્રારા કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા પણ નવી વસતી ગણતરી અંગે પરિપત્ર અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગ દ્રારા વસતી ગણતરી-૨૦૨૭ સંદર્ભે તા.૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલીકાઓ, મહેસૂલ ગામો, તાલુકા-તાલુકાઓ, પેટા વિભાગો, જિલ્લા વગેરેની સીમાઓમાં ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી ફેરફાર ન કરવા આદેશ કરાયો છે.
જયારે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્રારા નવી વસતી ગણતરીમાં ઝૂંપડપટ્ટીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્ર્નરને પરિપત્ર કરાયો છે. જેમાં વસતી ગણતરી-૨૦૨૭માં દરેક વૈધાનિક શહેરોની વસતી ને ઘ્યાનમાં લીધા વીના ઝૂંપડપટ્ટી(સ્લમ) સંબધિત માહીતી અલગથી એકત્રિત અને સંકલીત કરવામાં આવશે. આ માટે ઝૂંપડપટ્ટીના ઘરયાદી બ્લોક, ગણતરીના બ્લોકોની રચના અને ઓળખ વસતી ગણતરીના આરંભ પહેલા કરવાની રહેશે. વસતી ગણતરી ૨૦૧૧ની જેમ ગંદા વસવાટો ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં જાહેર કરેલ, માન્યતા પ્રાપ્ત અને ઓળખાયેલ વિસ્તારનો સમાવેશ થાય છે. જેનો ૨૦૨૭ની વસતી ગણતરીમાં પણ ઉપયોગ કરાશે. આથી પ્રથમ પગલારૂપે અધિકારક્ષેત્રમાં આવતા તમામ અધિસૂચિત સ્લમ બ્લોકની સૂચના અને જાહેરનામું, માન્યતા પ્રાપ્ત સ્લમ બ્લોકના સમર્થનમાં સંબધિત દસ્તાવેજો અને ઓળખવામાં આવેલા સ્લમ બ્લોકની યાદી મોકલવા આદેશ કરાયો છે.
તદઉપરાંત વસતી ગણતરી-૨૦૧૧ બાદ ઘણા ફેરફારો થયા છે. આથી દરેક ક્ષેત્રાધિકાર અંગેના ફેરફારોની માહીતી અગ્રતાના ધોરણે મોકલવા પણ જિલ્લા કલેકટર અને કશ્ર્શિનરને આદેશ કરાયો છે. ગામોની યાદીમાં માત્ર વસવાટી ગામોનો સમાવેશ થતો નથી. પરંતુ બીન વસવાટી ગામો અને પેટાપરાનો પણ યાદીમાં સમાવેશ કરીને સંપૂર્ણ યાદી તૈયાર કરવામાં આવશે. આથી આ ગામો અને પેટાપરાની અધતન યાદી અને નકશો મોકલવા જણાવાયું છે. વસતી ગણતરી સાથે સંબધિત તમામ અધિકારીઓને અધતન યાદી સાચી છે અને તેમાં કોઇ ગામ, શહેરી વિસ્તાર આવરી આ યાદીમાંથી આવરી લેવાનો રહી નથી ગયોને તેની ચકાસણી કરી અને ખાસ કાળજી રાખવા તાકીદ કરાઇ છે.
અહો આશ્ર્ચર્યમ..વસતી ગણતરીમાં નાગરિકને ટેલીવીઝન, ઇન્ટરનેટ સુવિધા ધરાવે છે તે સહીત ૩૩ પ્રશ્ર્નો જનગણના અધિકારી પૂછશે
ભારતમાં વસતી ગણતરી-૨૦૨૭ની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્રારા ભારત રાજપત્રમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ વસતી ગણતરી કરનાર જનગણના અધિકારીને મકાનયાદી તૈયાર કરવાના તબકકામાં દરેક નાગરિકને ૩૩ પ્રશ્ર્ન પૂછવામાં આવશે.
જેમાં ઘર નંબર, જનગણના મકાન નંબર અને સંબધિત અન્ય વિગત, મકાનનો ઉપયોગ, મકાનની હાલત, પરિવાનો ક્રમાંક, પરિવારમાં રહેતા વ્યકિતઓની સંખ્યા, પરિવારના મોભીનું નામ અને મહીલા છે કે પુરૂષ, શું પરિવારના મોભી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મકાન સ્વામિત્વની સ્થિતિ, પરિવાર પાસે રહેવા માટે ના મકાનમાં કેટલા રૂમ છે, પરિવામાં કેટલા વીવાહીત દંપતિ છે, પેયજલનો મુખ્ય સ્ત્રોત, પેયજલ સ્ત્રોતકી ઉપલબ્ધતા, પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયની સુલભતા, શૌચાલયનો પ્રકાર, ગંદા પાણીના નિકાલની સુવિધા, સ્નાનગૃહની ઉપલબ્ધતા, રસોઇઘર અને ગેસ તથા પીએનજી કનેકશનની સવિધા, ભોજન બનાવવા માટે મુખ્ય ઇંધણ, રેડીયો-ટ્રાન્ઝીસ્ટર, ટેલીવીઝન, ઇન્ટરનેરટ સુવિધા, લેપટોપ-કોમ્પ્યુટર, ટેલીફોન-મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન, સાયકલ, સ્કૂટર અને મોટર સાયકલ, કાર, જીપ કે વેન, પરિવાર દ્રારા ઉપયોગ કરવામાં આવતું મુખ્ય અનાજ જુેવા પ્રશ્ર્નો પૂછવામાં આવશે.