BREAKING NEWS

અમેરિકામાં નવા ટેરિફ કાયદાને મંજૂરી, ભારતીય નિકાસકારોમાં ચિંતા, કાયદા હેઠળ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% સુધી ટેરિફની જોગવાઈ

  • September 20, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા દ્વારા હાલ જમાં એક નવા ટેરિફ કાયદાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં અચાનક અનિચિતતા અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. આ નવા કાયદા હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ ખરીદતા દેશો પર 100 ટકા સુધીનો જંગી આયાત શુલ્ક અથવા ટેરિફ લગાવવાની સત્તા મળી ગઈ છે. આ કાયદો લાગુ થવાથી ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો અને વિવિધ ઉદ્યોગ સંગઠનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.


નિષ્ણાતોના મતે, આ કાયદાની સૌથી મોટી અસર એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને ચામડાની બનાવટો જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડી શકે છે. જો અમેરિકા દ્વારા 100 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવે છે, તો ભારતીય માલસામાન અમેરિકી બજારમાં અત્યંત મોંઘો થઈ જશે અને આયાતકારો માટે આટલો મોટો ટેરિફ વહન કરવો અશક્ય બનશે. આનાથી અમેરિકાને થતી ભારતની નિકાસ લગભગ ઠપ થઈ શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના અધ્યક્ષ એસ.સી. રલ્હને આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ પ્રકારના ઊંચા શુલ્ક દ્વિપક્ષીય વેપારને સંપૂર્ણપણે અટકાવી શકે છે.


આ કાયદો ટ્રમ્પ દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ અમલી બનવાની પ્રક્રિયામાં છે, જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષરના 30 દિવસની અંદર પ્રભાવી થશે. આ નિયમ એવા દેશોને નિશાન બનાવે છે જે પાછલા 12 મહિના દરમિયાન રશિયા કે ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ઊર્જા સંસાધનોની ખરીદી કરતા આવ્યા છે. આ યાદીમાં ચીન અને ભારત જેવા દેશો મુખ્ય રૂપથી સામેલ છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા આ કાયદાનો ઉપયોગ ભારત પર દબાણ લાવવા અને પોતાની નીતિઓ મનાવવા માટે એક હથિયાર તરીકે કરી શકે છે.


ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI) ના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો ક્ષતિ કે સમજૂતી ન કરવી જોઈએ. અમેરિકા અગાઉ પણ યુરોપિયન યુનિયન અને જાપાન જેવા દેશો સાથે વેપાર કરારો કર્યા પછી પણ ટેરિફ લગાવતું રહ્યું છે, તેથી ભારતે કોઈપણ દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે પોતાની આર્થિક અને ઊર્જા નીતિઓ નક્કી કરવી જોઈએ.


​​​​​​​વર્તમાન પરિસ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં સુધી અમેરિકા સ્પષ્ટપણે એ નથી જણાવતું કે કયા ઉત્પાદનો પર કેટલો ટેરિફ લાગશે અને તેની સમયસીમા શું રહેશે, ત્યાં સુધી ભારતીય નિકાસકારો માટે ભવિષ્યની રણનીતિ નક્કી કરવી મુશ્કેલ બની ગઈ છે. ભારત સરકાર આ સમગ્ર મામલે સ્થિતિ પર નજર રાખી રહી છે અને નિકાસકારોને રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવા અંગે વિચારણા કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application