ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીના ગ્રીનએકર્સ વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ. ટેક્સાસથી બહામાસ જઈ રહેલું એક ખાનગી 'લિયરજેટ 60' વિમાન ધડાકાભેર નીચે પટકાયું અને રહેણાંક વિસ્તારમાં જઈને ક્રેશ થયું હતું. રસ્તા સાથે અથડાતા જ ભયાનક બ્લાસ્ટ સાથે વિમાન અગનગોળો બની ગયું હતું. વિમાનમાં સવાર તમામ નવ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. વિમાન જમીન સાથે અથડાયું તે પહેલાં કોકપિટમાંથી આવેલા છેલ્લા શબ્દો અત્યંત ભયાનક હતા. ક્રૂ સભ્યોએ જણાવ્યું હતું કે તેમની પાસે હવે બિલકુલ સમય બચ્યો નથી.
એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયો રેકોર્ડિંગ પરથી જાણવા મળે છે કે, અંતિમ ક્ષણોમાં વિમાનને ખરાબ હવામાન, ભારે હવાની અસ્થિરતા અને પાંખો પર બરફ જામી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિમાન ખૂબ જ જોખમી ગતિએ નીચે આવી રહ્યું હતું, ત્યારે પાઇલટે સતત તાત્કાલિક મદદ માટે ડિસ્ટ્રેસ કોલ્સ મોકલ્યા હતા.
શરૂઆતમાં, પાઇલટે કંટ્રોલર્સને જાણ કરી કે વિમાન દર મિનિટે 8,000 થી 10,000 ફૂટની ગતિએ નીચે આવી રહ્યું છે. થોડી જ ક્ષણોમાં, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ, ગભરાયેલી અવસ્થામાં પાઇલટે જણાવ્યું કે વિમાન 'ઓવરસ્પીડ' સ્થિતિમાં છે, દર મિનિટે 20,000 ફૂટની ગતિએ નીચે આવી રહ્યું છે અને જમીન સાથે અથડાવાની તૈયારીમાં છે.
રેકોર્ડિંગમાં એક મહિલા ક્રૂ સભ્યની ચીસ પણ સંભળાય છે, જેણે દુર્ઘટનાના થોડા સમય પહેલા જ બૂમ પાડીને કહ્યું હતું કે તેમની પાસે હવે બિલકુલ સમય બચ્યો નથી. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા સંપર્ક સાધવાના સતત પ્રયાસો વચ્ચે, ક્રૂ તરફથી આવેલો છેલ્લો સંદેશ દર્શાવે છે કે વિમાન દર મિનિટે 22,000 ફૂટની ગતિએ નીચે આવી રહ્યું હતું અને તે 60 ડિગ્રીના ખૂણે નમેલું હતું.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, લિયરજેટ 60 વિમાને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહામાસના નોર્થ એલિઉથેરા જવા માટે ઉડાન ભરી હતી. જ્યારે વિમાન 35,000 ફૂટની ઊંચાઈએ પૂર્વ દિશામાં જઈ રહ્યું હતું, ત્યારે પાઇલટોએ હવાની અસ્થિરતા, વરસાદ અને બરફ જામવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો હોવાની જાણ કરી હતી. તેમણે સુરક્ષા માટે વિમાનને વધુ 2,000 ફૂટ ઉપર લઈ જવાની પરવાનગી માંગી હતી.
જોકે જેમ જેમ વિમાન ઉપર ગયું, તેમ તેમ હવામાન વધુ ખરાબ થતું ગયું. નેશનલ વેધર સર્વિસ અનુસાર, તે સમયે તે વિસ્તારમાં ભારે ગાજવીજ સાથેના તોફાનો અને જોખમી હવામાન પરિસ્થિતિઓ સર્જાયેલી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અને એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડ્સ દર્શાવે છે કે વિમાન લગભગ 41,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હતું, અને ત્યારબાદ અચાનક તે ખૂબ જ ઝડપથી નીચેની તરફ આવવા લાગ્યું.
વિમાન પર બરફ જામી ગયો અને સર્જાઈ દુર્ઘટના
વિમાન દુર્ઘટનાને કારણે રસ્તાની બાજુમાં એક મોટો ખાડો પડી ગયો હતો અને સમગ્ર વિસ્તાર જ્વાળાઓ તથા ઘટ્ટ કાળા ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડિંગ્સ પરથી ફ્લાઇટની અંતિમ ક્ષણોની ભયાનક પરિસ્થિતિનો ખુલાસો થાય છે. પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી કે હવામાન બગડી રહ્યું છે, વિમાનમાં ભારે ટર્બ્યુલન્સ અનુભવાઈ રહી છે અને વિમાન પર બરફ જામી રહ્યો છે. ત્યારબાદ તેમણે મદદ માટે ડિસ્ટ્રેસ કોલ આપ્યો હતો.
મે-ડે, મે-ડે -અમે નીચે જઈ રહ્યા છીએ: પાયલટનો છેલ્લો મેસેજ
વિમાન ઝડપથી નીચે ઉતરવા લાગ્યું, જેના પગલે પાયલટે કટોકટી (ઇમરજન્સી) જાહેર કરી. રેડિયો પર પાયલટે જણાવ્યું, અમે ૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી નીચે આવી રહ્યા છીએ — મે-ડે, મે-ડે અમે પ્રતિ મિનિટ ૧૦,૦૦૦ ફૂટના દરે નીચે ઉતરી રહ્યા છીએ. થોડી ક્ષણો પછી, પાયલટે જાણ કરી કે વિમાનની ગતિ અત્યંત વધી ગઈ છે અને તે વધુ ઝડપથી નીચે જઈ રહ્યું છે. તેમણે કહ્યું, અમે ઓવરસ્પીડમાં છીએ અને પ્રતિ મિનિટ ૨૦,૦૦૦ ફૂટના દરે નીચે ઉતરી રહ્યા છીએ. તે પછી તરત જ તેમણે ઉમેર્યું, અમે જમીન સાથે અથડાવા જઈ રહ્યા છીએ.