દેશની જાણીતી મલ્ટિપ્લેક્સ ચેઇન PVR INOX માં રોકડ (કેશ) સ્વીકારવાની ના પાડવા પર મોટો વિવાદ ઊભો થયો છે. અમદાવાદના વકીલ ઉત્કર્ષ દવેએ PVR INOX લિમિટેડને કાનૂની નોટિસ ફટકારીને કંપનીની માત્ર કેશલેસ ચુકવણી લેવાની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ વકીલ અમદાવાદના પેલેડિયમ મોલ સ્થિત સિનેમા કોમ્પ્લેક્સમાં ફિલ્મ જોવા ગયા હતા. ત્યાં ફૂડ કાઉન્ટર પર કેશ ચૂકવવાનો પ્રયાસ કરતાં સ્ટાફે રોકડ રકમ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને માત્ર UPI થી ચુકવણી કરવા મજબૂર કર્યા હતા.
વકીલ ઉત્કર્ષ દવેએ મોકલેલી નોટિસમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એક્ટ, 1934 ની કલમ 26(1) નો હવાલો આપતાં જણાવ્યું છે કે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી બેંક નોટો દેશમાં કાનૂની ચલણ (Legal Tender) છે. તેને લેવાનો ઇનકાર કરવો એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને પારદર્શિતાના નિયમોનું ઉલ્લંઘન છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે શું મલ્ટિપ્લેક્સે પોતાના આઉટલેટ પર આ પ્રકારની કેશલેસ નીતિ અંગે ગ્રાહકોને અગાઉથી કોઈ સ્પષ્ટ સૂચના આપી હતી? ગ્રાહક કાઉન્ટર પર પહોંચે ત્યારબાદ જ તેને આવી નીતિ વિશે ખબર પડે તે યોગ્ય નથી.
આ ઉપરાંત, નોટિસમાં એવા નાગરિકો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે જેમની પાસે સ્માર્ટફોન, UPI ની સુવિધા કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી. PVR INOX ને સવાલ કરવામાં આવ્યો છે કે જો કોઈ ગ્રાહક કાનૂની ચલણમાં રોકડ ચૂકવવા તૈયાર હોય, છતાં તેની પાસે UPI ન હોવાના કારણે શું તેને સેવાનો લાભ લેવાથી વંચિત રાખી શકાય? વકીલે કંપની પાસે પોતાના સ્ટાફને રોકડ ન લેવા અંગે આપેલા લેખિત આદેશોની નકલ પણ માંગી છે.
જોકે, કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાનગી વ્યવસાયો પોતાના નિયમો બનાવવાની સ્વતંત્રતા ધરાવે છે, પરંતુ આવી કેશલેસ નીતિની જાણકારી ગ્રાહકોને અગાઉથી સ્પષ્ટપણે આપવી અનિવાર્ય છે. ગ્રાહકે PVR INOX ને આ કાનૂની નોટિસનો જવાબ આપવા માટે 7 દિવસની મુદત આપી છે. જો આ સમયગાળામાં યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે, તો ગ્રાહક સુરક્ષા કમિશન અને સંબંધિત સત્તામંડળો સમક્ષ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.