રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં મેયર ડો.નેહલ શુક્લએ અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજૂ કરીને હોકર્સ ઝોન માટે નવી ડ્રાફ્ટ પોલિસી રજૂ કરી હતી જે સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.
આગામી દિવસોમાં આ પોલીસીનો અમલ શરૂ કરાશે
ઠરાવ અનુસાર નવી હોકર્સ ઝોન પોલીસીમાં મુખ્ય ૧૦ મુદ્દાઓ સમાવિષ્ટ કરાયા છે જેમાં (૧) શહેરમાં હવે પછી નવા બનનાર હોકર્સ ઝોનમાં ૮૦ ટકા જગ્યા શાકભાજી, ફુટ અને કટલેરીના ફેરિયાઓ માટે તથા ૨૦ ટકા જગ્યા અન્ય ફેરિયાઓ માટે અનામત રાખવાની રહેશે.(૨) ઉક્ત વિગતેની ૨૦ ટકા જગ્યામાં શહેરમાં ફેરી કરીને ધંધો કરતા પ્રકારના ફેરિયાઓનો જ સમાવેશ કરવાનો રહેશે. (૩) હાલના તથા નવા બનનાર તમામ હોકર્સ ઝોનમાં ગેરેજનો વ્યવસાય કરી શકાશે નહિ. હયાત હોકર્સ ઝોનમાં ગેરેજના વ્યવસાય કરતા વ્યવસાયધારકોને દુર કરવાના રહેશે.(૪)હોકર્સ ઝોનમાં હાલ હયાત છે એ સિવાયના નવા ચા-પાન, ઈંડા/નોન-વેજના વ્યવસાય માટે કોઇ પણ સંજોગોમાં મંજુરી આપવામાં આવશે નહિ. (૫) હાલ રોડ પર કેટલાક હોકર્સ ઝોન આવેલ છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉદભવતા હોઇ, રોડ પરના મહત્તમ હોકર્સ ઝોનને આગામી એક વર્ષના સમયગાળામાં નજીકના ઉપલબ્ધ પ્લોટમાં ફેરવવા કાર્યવાહી કરવાની રહેશે. (૬) મંજુરી અપાયેલ હોકર્સને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નામ, રજીસ્ટ્રેશન નંબર અને હોકર્સ ઝોનની વિગતો સાથે ક્યુ.આર.કોડ વાળા લેમિનેટેડ ઓળખકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જે ઓળખકાર્ડ તમામ ફેરિયાઓએ પોતાની રેકડી/કેબિન ઉપર સરળતાથી દેખાય તે રીતે ફરજીયાતપણે પ્રદર્શિત કરવાના રહેશે. આ પ્રકારના ઓળખકાર્ડ વિનાના હોકર્સની રેકડી/કેબિન રાજકોટ મહાનગરપાલિકાએ જપ્ત કરવાની રહેશે. (૭) રાજકોટ મહાનગરપાલિકાના દંડક, નેતા(શાસક પક્ષ), માર્કેટ સમિતિના ચેરમેનશ્રી અને માર્કેટ સમિતિના સભ્યો કોઇ પણ હોકર્સ ઝોનની મુલાકાત લઈ, ચકાસણી કરી શકશે. ચેરમેન કે સભ્યોને કોઈ બાબત ધ્યાને આવે તો તે અંગે જરૂરી ઠરાવ કે સુચના મારફત અમલવારી કરવા જણાવી શકશે. (૮) હોકર્સ ફ્રી રોડ માટે દબાણ હટાવ વિભાગના કર્મચારીઓને કામગીરી સોંપવાની રહેશે અને આ રોડ પર રેંકડી-કેબિન ધારકોના દબાણ થાય તો સંબંધિત કર્મચારીઓની જવાબદારી નિયત કરવાની રહેશે. (૯) રાજકોટ મહાનગરપાલિકા ભવિષ્યમાં જરૂર જણાય તે મુજબના હોકર્સ ફ્રી રોડમાં સુધારો-વધારો કરી શકાશે. (૧૦) આ પોલિસીમાં વખતોવખત જરૂરી ફેરફારો કરવા મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application