BREAKING NEWS

જામનગર શહેર સંગઠન માટે નવા નામ મંગાવવામાં આવ્યા નથી

  • January 01, 2026 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનોની પૂર્ણ રચના બાકી છે, જે તે શહેર-જિલ્લાના ભાજપના પ્રમુખ નિમાઇ ગયા છે અને આ સિવાયના હોદા પર સિલેકશનની પ્રક્રિયા ચાલી રહી છે એ દરમ્યાન જ પ્રદેશ ભાજપ તરફથી એક નવો રાજકીય બોમ્બ ફોડવામાં આવ્યો અને કહેવાય છે કે, અન્ય હોદાઓ માટે નિરીક્ષકો મોકલીને જે પેનલો બનાવાઇ હતી એ ઉપરાંત પણ નવા નામ મોકલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જો કે જામનગર શહેર માટે કોઇ નવા નામ નહીં મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


પ્રદેશ પ્રમુખ પદે જગદીશ પંચાલની નિમણુંક બાદ અટકી પડેલી શહેર-જિલ્લાના સંગઠનની પૂર્ણ રચના માટે પ્રક્રિયા શરૂ થઇ હતી અને થોડા સમય પહેલા જ જે તે શહેર-જિલ્લામાં નિરીક્ષકો મોકલીને બેઠક કરવામાં આવી હતી તેમાં કહેવાય છે કે, સંગઠનના હોદેદારો માટે ત્રણ-ત્રણ નામની પેનલો મોકલાઇ હતી જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી અને કાર્યાલય મંત્રી વગેરેનો સમાવેશ હતો. 


કાંઇપણ થયું હોય ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એવો આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જેનાથી સંગઠનના અન્ય હોદાઓની ખેંચતાણ પણ એક રીતે સામે આવી છે, કહેવાય છે કે, વધુ નામો મોકલવાનો હુકમ ઉપરથી નિકળ્યો છે. 


આજે આ સંબંધે જામનગર શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી સાથે આજકાલ દ્વારા વાતચીત કરવામાં આવતાં એમણે કહ્યું હતું કે, અમને સંગઠન તરફથી નવા નામ મોકલવા સંબંધે કોઇ સુચના મળી નથી. તેના પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, નવા નામ મંગાવવાની જે પ્રક્રિયા શરૂ થઇ છે તેનાથી જામનગરને બાકાત રખાયું હોવાનું કહી શકાય. 


આનો મતલબ એ છે કે, પેનલોમાં જે નામ ગયા હતાં તેમાંથી પસંદગી થવાની શકયતા રહેશે, પરંતુ સાથે-સાથે એવી પણ રાજકીય લાલ આંખ દેખાડવામાં આવી છે કે, સંગઠનના બીજા હોદાઓ માટે કોઇએ પણ દબાણ કરાવવું નહીં કે ભલામણ કરાવી નહીં.


આ આદેશ ભાજપના સંગઠનને વધુ પારદર્શક બનાવવા માટેનો હોઇ શકે પરંતુ એક વાત નકકી છે કે, જે તે શહેર જિલ્લાના રાજકીય આકાઓ બનીને પોતાની વ્યકિતને સંગઠનમાં ઘુસાડવાના પ્રયત્ન કરનારાઓના હાથ હેઠા પડી જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application