રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીની કામગીરી મામલે બેદરકારી દાખવનાર ૨૪ બીએલઑને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટ શહેરની તુલનાએ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વધુ લાલીયાવાડી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર જીલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)ની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. જેમાં ૮૦ ટકા મતદાર ફોર્મનું વિતરણ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન એસઆઈઆરની આ કામગીરીમાં સહયોગ નહીં આપીને બેદરકારી દાખવનાર દોઢ ડઝન જેટલા બીએલઓને નોટીસ ફટકારી ખુલાસા પૂછવામાં આવેલ હોવાનું રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના વર્તુળોમાંથી જાણવા મળે છે.
મતદાર યાદી સુધારણાના ઝુંબેશત્મક કાર્યક્રમ માટે બીએલઓની સાથે હવે આસિસ્ટન્ટ બીએલઓની નિમણુંકના ઓર્ડર પણ ઇસ્યૂ કર્યા છે.૨૨૫૬ જેટલા આસી.બીએલઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, મહાપાલિકા અને નગરપાલિકાના કર્મચારીઓ વિગેરેને પણ આ કામગીરી સોંપાઇ છે.
મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના બીએલઓનો સમાવેશ થતો થાય છે. દરમિયાન શિક્ષણના ભોગે બીએલઓને મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આ કામગીરી સોંપાતા શિક્ષકોમાં તેની સાથે વિરોધ ઉઠવાનો શરૂ થવા પામેલ છે. શિક્ષકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓને શાળાઓમાં શિક્ષણ આપવું કે પછી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આ કામગીરી કરવી? હવે બીએલઓની સાથે આસી.બીએલઓની નિમણુંકમાં પ્રાથમિક શિક્ષકો ઉપરાંત શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કાર્યકરો, નગરપાલિકાના કર્મચારીઓ, સહિતનાઓને પણ આ કામગીરી સોંપતા ઓર્ડર જારી થયા છે. ૨૨૫૬ જેટલા આસી.બીએલઓની નિમણુંક કરી દેવામાં આવી છે. આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી અભિયાન આગળ વધારવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચૂંટણીપંચ દ્વારા આજે રાજયના તમામ જિલ્લા કલેકટરો-ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ આયોજીત કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.