BREAKING NEWS

કુખ્યાત અલ્પેશ દોંગાએ વ્યાજે પૈસા આપી વધુ એક ખેડૂતની જમીન લખાવી લીધી, 5.50 લાખનું ધીરાણ કરી 1.07 કરોડ પડાવ્યાં

  • September 23, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મનીપ્લસ પેઢીના સંચાલક અલ્પેશ દોંગા આણી ટોળકીનું વધું એક કારસ્તાન સામે આવ્યું છે. સરપદડના વેપારીને ૫.૫૦ લાખનું ધીરાણ કરી ૧.૦૭ કરોડ પડાવી જમીન પણ લખાવી લીધી હતી. જે અંગે પડધરી પોલીસે ગુનો નોંધી અલ્પેશ દોંગા સહિત પાંચ શખસો સામે ગુનો નોંધ્યો છે. જેમાં અલ્પેશ દોંગાની ધરપકડ કરી હતી.

બનાવ અંગે પડધરીના સરપદડ ગામે રહેતાં પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવાડીયા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ ગોપાલ ડોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુ છગન વિરડીયા, પિયુષ ચંદુ વિરડીયા (રહે તમામ રાજકોટ) અને હિરેન રતિભાઈ લુણાગરીયા (રહે. સરપદડ, પડધરી) ના નામ આપ્યા છે.

ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ વેપાર કરે છે. તેને વર્ષ ૨૦૨૨ માં નાણાકીય જરૂરિયાત ઉભી થતાં તેઓએ ગામના જ હિરેન લુણાગરીયાનો સંપર્ક કરી રૂપીયાની જરૂરિયાત બાબતે વાત કરી હતી. જે હિરેન રાજકોટના અલ્પેશ દોંગાના એજન્ટ તરીકે કામ કરતો હતો. ત્યારે હિરેન લુણાગરીયાએ અલ્પેશ દોંગા મિલ્કત પર રૂપીયા આપે છે તેવી વાત કરી અન્ય એજન્ટ અક્ષીત અકબરી સાથે મુલાકાત કરાવી હતી. ૫.૫૦ લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જે બાદ તે બંને યુવકને નાના મવા રોડ પર આવેલ અલ્પેશ દોંગાની મની પ્લસ શરાફી મંડળીની ઓફિસે લઈ ગયેલ હતાં. જ્યાં અલ્પેશ દોંગા સાથે રૂ.૫.૫૦ લાખની જરૂરિયાત અંગે વાત કરતાં તે મિલ્કત સામે ધિરાણ કરે છે તેવી કરી હતી. જે બાદ યુવકે પોતાની ખેતીની જમીન પર રૂપીયા આપવા વાત કરતાં અલ્પેશે ખેતીની લોન પેટે રૂ.૫.૫૦ લાખ માસીક ૫ ટકાના તોતિંગ વ્યાજે આપ્યાં હતા.

જે બાદ તેને વ્યાજની ચુકવણી દરમિયાન પણ જમીન પચાવી પાડવા પઠાણી ઉઘરાણી કરી ઊંચું વ્યાજ વસુલતો હતો. જે બાદ અલ્પેશ દોંગાએ યુવકને જમીનનો સાટા ખત કરાવી આપવાનું કહી તેમને પડધરીની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બોલાવી આરોપી ચંદુ છગન વિરડીયા અને તેના પુત્ર પિયુષ વિરડીયાના નામનો જમીનનો રજીસ્ટર્ડ કરાવી લઈ છેતરપીંડી પણ આચરી હતી.

ત્યારબાદ ફરીયાદીએ મુદલ અને વ્યાજ સહિત પુરેપરા રૂ.૯.૮૬ લાખ ચૂકવી આપ્યા છતાં જમીનનો દસ્તાવેજ રદ ન કરી આપ્યો હતો. તેમજ તે જમીન પર રૂ.૮૦ લાખ ઉપાડી લીધાનું કહીં જમીન મુક્ત કરાવવાના બહાને આરોપી અલ્પેશ દોંગાએ ફરીયાદી પાસેથી એક વર્ષનું માસીક રૂ.૨૭,૫૦૦ લેખે વ્યાજ સહિત રૂ.૩.૩૦ લાખ મેળવી લીધી હતી. તે ઉપરાંત રૂ.૯.૮૬ લાખ મળી કુલ રૂ.૧૩.૧૬ લાખ સહિત કુલ રૂ.૪૦ લાખ આરોપીઓએ બળજબરી પૂર્વક પડાવી લીધાં હતાં.

ઉપરાંત આરોપી પીયૂષ વિરડીયાએ જમીન પરત યુવકના નામે કરી આપવા માટે વધું રૂ.૫૪ લાખ પડાવી લીધાં હતા. તેમજ ખોટી ફરીયાદ કરી જેલમાં નાંખી દેવાની ધમકી પણ આપી કુલ રૂ.૧.૦૭ કરોડ બળજબરીથી પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ છેતરપીંડી આચરી યુવાન અને તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધી કુખ્યાત અલ્પેશ દોંગાની અટકાયત કરી હતી. તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application