BREAKING NEWS

નામચીન અલ્પેશ દોંગાએ ખેડૂતને વ્યાજે પૈસા આપી જમીન લખાવી લઇ વેચી મારી

  • April 07, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોને પૈસા વ્યાજે આપી જમીન પચાવી પાડવામાં માહેર નામચીન અલ્પેશ દોંગા વિરુધ્ધ વધુ એક ફરિયાદ પોલીસમાં થઈ છે. પડધરીના ઉકરડા ગામના ખેડૂતને બે ટકા લેખે રૂ.20 લાખ આપ્યા બાદ કોરા ચેક મેળવી વધુ વ્યાજ વસુલાત કરી ધાક ધમકી આપી જમીન પચાવી પાડવા દસ્તાવેજ કરાવી અન્યને વેંચી મારતા અંતે ખેડૂતને પોણા કરોડની જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને ખેડૂતે અલ્પેશ દોંગા વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ઉકરડા ગામે રહેતા ગણેશભાઈ રવજીભાઈ રાબડીયા પડધરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના અલ્પેશ ગોપાલભાઈ દોગાનું નામ આપ્યું છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, અવાર નવાર નાની મોટી પૈસાની જરૂરિયાત હોવાથી અલ્પેશ દોંગાએ લોન આપી વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં કટકે કટકે આશરે રૂ 20 લાખ 2 ટકાના વ્યાજે આપ્યા હતા. અને તેની સામે કોરા ચેક લઈ લીધા હતા, જે બાદ વધારાનું વ્યાજ કાપી પૈસા માટેનું દબાણ વધારવામાં આવ્યું હતું. વ્યાજ અને મુદ્દલ ચૂકવી ન શકતા અલ્પેશે ખેડૂતને જમીન ગીરવે મુકવા માટેનું કહ્યું હતું અને તેનો સાટાખત કરાવી લઈ બળજબરી પૂર્વક દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. દસ્તાવેજ સમયે રજિસ્ટ્રાર સામે આ જમીન પોતે વેંચે છે તેવી હા કબૂલવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જમીન પહેલા નીલેશભાઈ કાછડીયાના નામે અને બાદમાં અન્ય વ્યક્તિઓ મારફતે વિક્રમભાઈ ડાંગરને વેચી દેવામાં આવી હતી. ખેડૂતની પોણા કરોડની વડીલોપાર્જીત જમીન આ રીતે પચાવી પાડવામાં આવી હતી. પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી અલ્પેશ દોંગા વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application