બદમાશને પકડવા ગાઝિયાબાદ ગયેલી નોઈડા પોલીસ પર હુમલો,કોન્સ્ટેબલનું મોત

  • May 26, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગાઝિયાબાદમાં એક કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી નોઈડા પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો , પોલીસે ગુનેગારને પકડી પણ લીધો હતો પરંતુ એ જ વખતે હુમલાખોરો વધુ આક્રમક બન્યા હતા અને પોલીસ ટીમ પર ભારે પથ્થરમારો અને ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું અને હુમલાખોરો બદમાશને છોડાવીને નાસી ગયા હતા.પોલીસ બદમાશ અને હુમલાખોરોની શોધ કરી રહી છે.


નોઈડા ફેઝ-3 પોલીસ સ્ટેશનની પોલીસ ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન હેઠળના નાહલ ગામમાં પહોંચી હતી નોઈડા પોલીસની આ ટીમ કાદિર ઉર્ફે માનતાની ધરપકડ કરવા ગામમાં ગઈ હતી. પોલીસે કાદિરને પકડી પણ લીધો હતો, પરંતુ તે દરમિયાન તેના 8-10 સાથીઓએ તેમના પર હુમલો કર્યો.પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગોળીબાર પણ શરૂ થયો. પોલીસ કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ ટોળાએ ગુનેગારને છોડાવી લીધો હતો અને સમસમી ઝપાઝપી દરમિયાન કોન્સ્ટેબલ સૌરભને માથામાં ગોળી વાગી હતી.સૌરભને તાત્કાલિક નહેરુ નગરની યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. નોઈડાના એડિશનલ પોલીસ કમિશનર રાજીવ નારાયણ મિશ્રા કહે છે કે પોલીસ ટીમ ગુનેગારની શોધમાં લાગી ગઈ છે.


ગાઝિયાબાદ ગ્રામીણ ડીસીપી સુરેન્દ્ર નાથ તિવારીએ જણાવ્યું હતું કે મસૂરીના પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે ગૌતમ બુદ્ધ નગરના એક કોન્સ્ટેબલ સૌરભને નાહલ ગામમાં ગોળી વાગી છે, જેને તેમની ટીમ દ્વારા યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ટીમ વોન્ટેડ આરોપી કાદિરની ધરપકડ કરવા આવી હતી. આ ઘટના તે સમય દરમિયાન બની હતી, આ સંદર્ભમાં ગૌતમ બુદ્ધ નગરના ફેઝ-3 પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સચિન દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદના આધારે, મસૂરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application