રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી હાઈવે પર ટોલ પ્લાઝા મારફતે પસાર થતાં મુખ્યત્વે કોમર્શિયલ વાહનોના દસ્તાવેજોની ચકાસણી માટે ઉપયોગમાં લેવાતી ઈ-ડિટેક્શન સિસ્ટમનો વ્યાપ હવે ખાનગી વાહનો સુધી વિસ્તારવામાં આવશે. આ વ્યવસ્થા અમલી બનતાં ખાનગી કાર સહિત અન્ય ખાનગી વાહનોના દસ્તાવેજોની પણ આપોઆપ ચકાસણી થશે.
પરિણામે દસ્તાવેજોની મુદત પૂર્ણ થયા બાદ પણ વાહન ચલાવતા વાહનચાલકોની મુશ્કેલી વધી શકે છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ ઈ-ડિટેક્શન સિસ્ટમ વાહનના રેકોર્ડ સાથે વિગતો સરખાવી જરૂરી દસ્તાવેજોની માન્યતા અને તેની સમયમયર્દિાની ચકાસણી કરશે. આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક હોવાથી વાહનચાલકને સ્થળ પર રોકીને દસ્તાવેજો તપાસવાની જરૂરિયાત રહેશે નહીં.
આ સિસ્ટમ હેઠળ ખાનગી વાહનચાલકોએ ખાસ કરીને ત્રણ દસ્તાવેજો અપડેટ રાખવા પડશે. જેમાં વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી), વાહનનો માન્ય વીમો અને રજિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. આ પૈકી કોઈપણ દસ્તાવેજની મુદત પૂર્ણ થઈ ગઈ હોય અથવા દસ્તાવેજ અમાન્ય જણાય તો નિયમો અનુસાર સંબંધિત વાહનચાલક સામે ઈ-ચલણની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે અત્યાર સુધી ઈ-ડિટેક્શન સિસ્ટમ મુખ્યત્વે ટ્રક, બસ અને માલવાહક સહિતનાં કોમર્શિયલ વાહનો માટે કાર્યરત હતી. હવે ખાનગી વાહનોને પણ આવરી લેવાની તૈયારીથી હાઈવે પર વાહન ચલાવતા તમામ વર્ગના વાહનચાલકો પર નિયમોનું પાલન કરવાની જવાબદારી વધશે.
વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ વાહનચાલકોને હાઈવે પર મુસાફરી કરતાં પહેલાં પોતાના વાહનના પીયુસી, વીમા અને રજિસ્ટ્રેશનની માન્યતા ચકાસી લેવા અપીલ કરી છે. દસ્તાવેજોની મુદત પૂર્ણ થાય તે પહેલાં તેનું નવીનીકરણ કરાવી લેવાની પણ તાકીદ કરવામાં આવી છે. હવે દસ્તાવેજોની અવગણના માત્ર કાગળ પરની ખામી નહીં રહે, પરંતુ સીધા આર્થિક દંડનું કારણ બની શકે છે.