BREAKING NEWS

હવે અમદાવાદ,બેંગ્લુરુમાં ડ્રાઇવર લેસ મેટ્રો ટ્રેન દોડશે

  • January 01, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે અમદાવાદ, બેંગ્લુરુમાં ડ્રાઇવર લેસ મેટ્રો ટ્રેન દોડશેવિશ્વમાં ટ્રેનની સૌપ્રથમ શરૂઆત ઇંગ્લેન્ડમાં 1825ની સાલમાં થઇ હતી અને ભારતમાં 1853માં મુંબઈ- થાણે વચ્ચે પ્રથમ ટ્રેન દોડતી થઈ હતી, પરંતુ આ ટ્રેન કોલસાથી એટલે કે સ્ટીમ એન્જિનથી ચાલતી હતી, વર્ષો સુધી સ્ટીમ એન્જિન બાદ ડીઝલ એન્જિન અને છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેક્ટ્રીક એન્જિનનો બદલાવ આવ્યો છે. પણ અત્યાર સુધી આ ટ્રેનો ચલાવવા ડ્રાઇવર કે લોકો પાયલોટ અનિવાર્ય છે, એટલે કે માનવ સંચાલિત છે, પરંતુ વિકસતી જતી ટેકનોલોજીમાં હવે ડ્રાઇવર કે લોકો પાયલોટ વગર સ્વચાલિત ટ્રેનોની દિશામાં પદાર્પણ થઈ ચુક્યું છે, તેમાં દેશના વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવતા અમદાવાદ અને બેંગ્લુરુ ખાતે ડ્રાઇવરલેસ (સ્વચાલિત) મેટ્રો ટ્રેનસેવા શરૂ થવા જઈ રહી છે.

તેમાં અમદાવાદ ખાતે શરુ થનાર પ્રથમ ડ્રાઇવરલેસ હાઇ સેફ્ટી ફીચર સાથેની મેક ઇન ઇન્ડિયા પ્રથમ મેટ્રો ટ્રેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં કોલકાતા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ પ્લાન્ટમાં અનાવરણ કર્યું હતું.

સુરક્ષા અને ડિઝાઇનના ત્રણે સ્તરે નવી પેઢીની આ ડ્રાઇવર લેસ મેટ્રો ટ્રેન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે ટીટાગઢ રેલ સીસ્ટમ પ્લાન્ટને કુલ 10 મેટ્રો ટ્રેનનો ઓર્ડર આપ્યો છે. પહેલી ટ્રેન થોડા દિવસમાં અમદાવાદ પહોંચશે. અન્ય 9 ટ્રેન 5-6 મહિનામાં મળશે.

આ ટ્રેન ગ્રેડ અને ઓટોમેશન-4 ટેકનોલોજી પર આધારિત છે. એટલે કે ડ્રાઇવર વિના સંપૂર્ણપણે ઓટોમેટેડ સંચાલનની ક્ષમતા છે.

આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એડવાન્સ ફાયર સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ઇમરજન્સી રિસ્પોન્સ,

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સ્ટેનલેસ સ્ટીલથી બનેલી આ ટ્રેન વધુ ટકાઉ, વજનમાં હલકી અને મેન્ટેનન્સ ફ્રેન્ડલી હોવાનો દાવો થયો છે. આ ટ્રેનના રંગ અને ઇન્ટિરિયરમાં અમદાવાદની સંસ્કૃતિને સ્થાન અપાયું છે. જેથી પ્રવાસી અમદાવાદ શહેર સાથે તદાત્મ્ય અનુભવી શકે.

જ્યારે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બીઇએમએલ (ભારત અર્થ મુવર્સ લિમિટેડ) સાથે મળીને બેંગલુરુમાં સંપૂર્ણ સ્વદેશી ડ્રાઇવર લેસ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હેઠળ દક્ષિણ બેંગલુરુમાં કેલેના અગ્રહારાથી ઉત્તરમાં નગાવારા સુધી 21.3 કિલોમીટરની ડ્રાઇવર લેસ નમ્મા મેટ્રો રેલ માટે રૂ. ૩૧૭૭ કરોડના ખર્ચે બીઇએમએલને ૩૧૮ સ્ટાન્ડર્ડ ગ્રેડ મેટ્રો કાર્સ (કોચ) નિર્માણની કામગીરી સોંપવામાં આપવામાં આવી છે.

જે અંતર્ગત બીઈએમએલ દ્વારા પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની રેકના પ્રોટોટાઇપનું ટેકનિકલ પરીક્ષણ પૂર્ણ થયું છે. કોમ્યુનિકેશન બેઇઝ ટ્રેન કંટ્રોલ (સીબીટીસી) ટેકનોલોજી આધારિત 5RS-DM તરીકે ઓળખાતી અદ્યતન ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન સલામતી, કાર્યક્ષમતા અને મુસાફરો માટે ખૂબ સુગમ રહેશે તેઓ દાવો કરાયો છે. તેમાં BEML (ભારત અર્થ મુવર્સ) લિમિટેડ દ્વારા બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL)ના ડ્રાઇવરલેસ ટ્રેનસેટ્સના આ પ્રોટોટાઇપનું તાજેતરમાં BMRCLના મેનેજિંગ ડિરેક્ટર જે. રવિશંકર દ્વારા એક કાર્યક્રમમાં ઔપચારિક રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં અધિકારીઓએ અત્યાધુનિક ટ્રેનસેટનો ટેસ્ટ રન પણ જોયો હતો. આ પ્રોટોટાઇપનું હવે કોથાનપુર ડેપો ખાતે ઓછામાં ઓછા પાંચ મહિનાની ટેસ્ટિંગ અને ઓસિલેશન ટ્રાયલ્સ થશે. આ પરીક્ષણો મેળવ્યા બાદ સલામતી માન્યતાઓ માટે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓર્ગેનાઇઝેશન અને મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી મંજૂરી લેવાની રહે છે.

જે દરમિયાન રૂ. ૪૧૪ કરોડના ખર્ચે વધારાના ૬ ડ્રાઇવર લેસ ટ્રેન સેટ્સ (રેક) નિર્માણનો ઓર્ડર પણ બીઇએમએલને આપી દેવાયો છે. જેની 15 વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

બેંગલુરુમાં કેલેના અગ્રહારાથી નગાવારા સુધીના કુલ ૨૧.૩ કિમીમાં ૭.૫ – કિમી એલિવેટેડ સેગમેન્ટ અને 13.8 કિમી અંડરગ્રાઉન્ડ સેગમેન્ટમાં 23 સ્ટેશન્સને આવરી લેતા આ પ્રોજેક્ટમાં એલિવેટેડ સેગમેન્ટ 2026ના મે જૂન માસમાં પૂરું કરવાનો લક્ષ્યાંક છે.


ડ્રાઇવરલેસ ટ્રેનની વિશેષતાઓ

આગામી પેઢીની બેંગલુરુની ડ્રાઇવરલેસ ટ્રેન સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ (CBTC) ટેકનોલોજી દ્વારા ટ્રેનની ગતિવિધિઓનું ચોક્કસ સંચાલન કરવાની અને ઓનબોર્ડ ડ્રાઇવરની જરૂર વગર શ્રેષ્ઠ સમયપત્રક અને સલામતી જાળવશે એવી ધારણા રાખવામાં આવી રહી છે. જે આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો અનુસાર અદ્યતન ફાયર સેફ્ટી અને ક્રેશ યોગ્યતા વગેરેથી સક્ષમ છે તેમજ ઓટોમેશન સિસ્ટમથી સજ્જ અપગ્રેડેડ પેસેન્જર ઇન્ફર્મેશન ડિસ્પ્લે, એર્ગોનોમિક સીટિંગ અને સુધારેલ આધુનિક સુવિધાઓ સાથે સુંદર આંતરિક ડિઝાઇનિંગવાળા કોચ એક્સ્ટ્રા-વાઇડ ગેંગવે દ્વારા જોડાયેલા છે. યુએસબી ચાર્જિંગ પોર્ટ પણ શામેલ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News