કરોડો ભક્તોના આસ્થાનું શક્તિપીઠ અંબાજી મંદિર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મંદિરના સુવર્ણ શિખરની સુરક્ષા અને ભક્તોની સલામતી માટે હવેથી શિખર પર વધુમાં વધુ પાંચ મીટર લંબાઈ ધરાવતી ધજા જ ચડાવી શકાશે. આ નવા નિયમનો અમલ પહેલી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. ધજા ચઢાવવા માટે ભક્તોએ પૂર્વનિર્ધારિત ઓનલાઈન અથવા ઓફલાઈન સ્લોટ બુક કરાવવાના રહેશે.
પવનના દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચી શકે તેમ છે
મંદિર વહીવટીતંત્ર અને ટેકનિકલ નિષ્ણાતોના સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરના મુખ્ય શિખર પર રહેલા ધ્વજદંડને આશરે 15 વર્ષ પૂર્ણ થયા છે. ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે રોજ ચઢતી 50થી 60 ધજાઓના વજન અને પવનના દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચી શકે તેમ છે.
ધજા સુવર્ણમય શિખરના કવચ સાથે ઘસાય છે
ખૂબ જ લાંબી ધજાઓ જ્યારે પવનમાં લહેરાય છે ત્યારે તે સુવર્ણમય શિખરના કવચ સાથે ઘસાય છે, જેનાથી સોનાના કવચને ઘસારો પહોંચતો હોવાનું નોંધાયું છે. ઘણી વખત ભક્તો 50 ગજ કે તેથી વધુ લાંબી ધજાઓ લાવતા હોય છે. આવી લાંબી ધજાઓ જમીનને અડતી હોવાથી નીચે ચાલતા ભાવિકોના પગમાં આવે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે અને અન્ય ભક્તોની ધાર્મિક લાગણી પણ દુભાય છે.
આ અંગેનું ટેકનિકલ સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું
આ નિર્ણય લેતા પહેલા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને પરંપરા જળવાઈ રહે તે રીતે પાંચ મીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ અંગેનું ટેકનિકલ સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તો અને વિવિધ સંઘોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મંદિરની ગરિમા અને સુરક્ષા જાળવવા આ નિર્ણયમાં સહકાર આપે.