રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને લોકોની સલામતીની પોતાની પ્રાથમિક ફરજની સાથે માનવતાવાદી અભિગમ અપનાવી આ દિશામાં મહત્વની પહેલ શરૂ કરી છે. શહેર પોલીસ કમિશનર કચેરીમાં હવેથી 24 કલાક જરૂરિયાતમંદોને નવાજૂના વસ્ત્રો, પગરખા, પુસ્તકો, સ્ટેશનરી, રેનકોટ,સાબુ,વાસણો વગેરે વસ્તુઓ મળી રહેશે. ખાખીની માનવતા નામથી શરૂ કરાયેલા આ કેન્દ્રનો આજે સાંજે પ્રારંભ થશે.
પોલીસ કમિશનર કચેરીના ગેટ પાસે ગાર્ડ રૂમ નજીક આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલીસ અને સામાજિક સંસ્થા બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે.જેમાં જરૂરિયાતમંદો માટેની તમામ વસ્તુઓ રાખવામાં આવશે જેમાંથી જરૂરિયાતમંદ લોકોને જે વસ્તુઓ જોઈએ તે લઈ શકશે. અમદાવાદમાં પણ આ પ્રકારનું કેન્દ્ર ઘણા સમયથી ચાલે છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ રાજકોટમાં પણ આ પ્રકારનું કેન્દ્ર શરૂ કરવાનું નિર્ણય લીધો હતો અમદાવાદના કેન્દ્રનો અભ્યાસ કર્યા બાદ હવે રાજકોટમાં આ પ્રકારનું કેન્દ્ર શરૂ કરાયું છે.
ભવિષ્યમાં આ કેન્દ્રમાં શાકભાજી, ડુંગળી, બટેટા ઉપરાંત પેકેજડ ફૂડ પણ ઉપલબ્ધ કરવાની યોજના છે. આ કેન્દ્ર ગાર્ડ રૂમની બાજુમાં બનાવવામાં આવ્યું છે. જેથી ત્યાંથી કોઈ એક વ્યક્તિ બધી વસ્તુઓ લઈ જઈ નહીં શકે. રૂમ કાચનો બનાવવામાં આવ્યો છે જેથી ડિસ્પ્લેમાંથી લોકોને જે વસ્તુઓ જોઈતી હોય તે જોઈ શકે અને લઈ પણ જઈ શકે. આ જ રીતે લોકો પોતાના જૂના વસ્ત્રો,પગરખા, સ્ટેશનરી પુસ્તકો, વાસણો સહિતની વસ્તુઓ પણ આ કેન્દ્રમાં મૂકી શકે છે. કેન્દ્રમાં વસ્તુ લેવા આવનાર અને મુકવા આવનારને કોઈ પ્રશ્ન પુછાશે નહીં.
આ કેન્દ્ર શરૂ કરતાં પહેલાં નજીકના આરો પ્લાન સાથેના પરબનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં રેફ્રિજરેટરમાં પાણીની બોટલ, ફ્રુટ, છાશ સહિતની વસ્તુઓ પણ મૂકવાનું આયોજન છે. આજે સાંજે ખાખીનો માનવતા નામના આ કેન્દ્રનો પ્રારંભ થશે.