રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે (ESIC) એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૬ અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ MoU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે. જેથી, શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.
આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ ઉપસ્થિત તબીબી સંચાલકો, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને અધિકારીઓને શ્રમિકોના આરોગ્ય તથા કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલ સંચાલકોને અપીલ કરી હતી કે સારવાર માટે આવતા દરેક શ્રમિક પ્રત્યે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા અને કાળજી દાખવીને તેમને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે.
ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીએ જણાવ્યું હતું કે, રાજ્યના સંગઠિત, અસંગઠિત અને ખેતમજૂરો સહિત સવા કરોડથી વધુ શ્રમિકોના સામાજિક-આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. ગુજરાત હંમેશાં નવીન અને શ્રમિકલક્ષી પહેલ કરવામાં દેશ માટે મોડેલ સ્ટેટ રહ્યું છે. શ્રમિકોના સુદૃઢ સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા આ MoU સમગ્ર રાજ્યમાં ESICના આરોગ્ય નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
ESICના પ્રાદેશિક નિયામક શ્રી હેમંતકુમાર પાંડેએ કહ્યું હતું કે, ESIC ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ટર્સરી તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું નેટવર્ક વધુ મજબૂત કરવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરના આ ૬ MoU સહિત અગાઉ ૨૬ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ૧૩ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વધુ ૪૫ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.
ESIC-ગુજરાત દ્વારા ૬ આરોગ્ય સંસ્થાઓ સાથે કરવામાં આવેલ MoU
1. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ
2. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર
3. શ્રી ગિરિરાજ હોસ્પિટલ (શ્રી ગિરિરાજ લાઈફકેર પ્રાઈવેટ લિમિટેડનું એક એકમ), રાજકોટ
4. ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ
5. એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ લિમિટેડ
6. ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ
આ પ્રસંગે ESICના સ્ટેટ મેડિકલ ઓફિસર ડૉ. વિજય ધાણક સહિત ESICના અધિકારીઓ, એમ્પેનલ થયેલી આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, તબીબો, પેથોલોજિસ્ટ્સ અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.