જામનગર: શ્રાવણના પ્રથમ દિવસે નગરના શિવમંદિરોમાં ભકતોની ભીડ ઉમટી
વહેલી સવારથી જ ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા ભકતોની કતાર
પવિત્ર શ્રાવણ માસનો આજે તા.૧૩-૮-૨૬થી પ્રારંભ થયો છે. જે ૧૧-૯-૨૬સુધી રહેશે. જેમાં કુલ ૪ સોમવાર આવશે. આજે પ્રથમ દિવસે શહેરના તમામ શિવમંદિરોમાં ભકતજનોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી.
શિવભકતો શ્રાવણ માસની આતુરતા પુર્વક રાહ જોતા હોય છે. ભોળાનાથના વ્હાલા આ મહિનામાં ભકતજનો વિશેષ પુજન અર્ચન કરી આશિર્વાદ અને કૃપા પ્રાપ્ત કરતા હોય છે.
શહેરના પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં દર શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. જેમાં લઘુદ્ર, ઘ્વજારોહણ, ભોજન, સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. નદી તટે બિરાજમાન શિવમંદિરનુ વિશેષ મહત્વ હોય છે. જામનગર શહેરમાં અનેક શિવમંદિરો રંગમતી, નાગમતી ફરતે આવેલા છે. જેમાં સિદ્ધનાથ, નાગેશ્ર્વર, મણીકંકેશ્ર્વર, બાલનાથ, સુખનાથ, સોમનાથ, વડકેશ્ર્વર મહાદેવ, સહિતના મહાદેવનો સમાવેશ થાય છે.
જામનગર શહેર તથા જિલ્લામાં પણ અનેક શિવાલયો આવેલા છે જેમાં લાલપુર, ભોળેશ્ર્વર, જીણાવારી ગોપનાથ, જામજોધપુર ગાંધેશ્ર્વર, સતાપર સપ્તેશ્ર્વર, કાલાવડ કુંભનાથ મહાદેવ, ધ્રોળ બ્રહ્મનાથ મહાદેવ, ફલ્લા તપ્તેશ્ર્વર મહાદેવ, સોયેલ સોયેલેશ્ર્વર મહાદેવ, સચાણા પાંડવકાલીન સમયનુ હંસેશ્ર્વર મહાદેવ ઐતિહાસિક મંદિર છે. આ તમામ મંદિરોમાં શ્રાવણ માસ દરમ્યાન ભકતોની ભારે ભીડ જોવા મળશે. દરેક મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.