BREAKING NEWS

જામનગર: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં જોડિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

  • August 13, 2026 06:43 PM 

જામનગર: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં જોડિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

રાષ્ટ્રગૌરવના પ્રતિક તિરંગા, દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે લોકોએ વ્યક્ત કર્યો દેશપ્રેમ

હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ તિરંગા યાત્રાનો પ્રારંભ હુન્નર શાળા, જોડીયાથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચાર રસ્તા ખાતે પહોંચી હતી અને તાલુકા પંચાયત, જોડીયા ખાતે સમાપન પામી હતી. યાત્રા દરમિયાન સહભાગીઓએ હાથમાં તિરંગો લહેરાવી “ભારત માતા કી જય”, “વંદે માતરમ” સહિતના દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું.

યાત્રામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના માર્ગો પર તિરંગાની શોભા અને દેશભક્તિના ગીતોના સ્વર વચ્ચે નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોએ સ્થાનિક નાગરિકો દ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાનું પ્રતિક બની રહી હતી. આ યાત્રા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવ અને સન્માનની ભાવના વધુ મજબૂત બની હતી તેમજ યુવા પેઢીને દેશના ગૌરવશાળી ઇતિહાસ અને શહીદોના બલિદાનની યાદ અપાવવામાં આવી હતી.

કાર્યક્રમના સફળ આયોજન માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. યાત્રાના અંતે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, ધરમશીભાઈ ચનિયારા, વિદ્યાર્થીઓ, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ્સ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application