BREAKING NEWS

રાજકોટમાં પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું, ધોળા દિવસે હત્યાથી આહિર ચોક વિસ્તારમાં સનસનાટી

  • August 13, 2026 07:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આહિર ચોક નજીક પિતાએ જ પોતાના જુવાન જોધ પુત્રની ઘાતકી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અચાનક બનેલી રક્તરંજિત ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને સનસનાટી મચી ગઈ છે. ઘટનાને પગલે ભક્તિનગર પોલીસ અને એફએસએલનો સ્ટાફ દોડી ગયો છે અને તપાસ હાથ ધરી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનનું નામ રામભાઈ બાબુ સવસેટા હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં જ બનેલી આ ઘટનામાં પિતા બાબુ સવસેટા દ્વારા જ પુત્ર રામની હત્યા કરવામાં આવતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. પિતા-પુત્રના પવિત્ર સંબંધને ડાઘ લગાવતી આ કરુણ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને મૃતકના પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.


બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ડી-સ્ટાફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવાની સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે, તેમજ ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વૃદ્ધ પિતાને પોતાના સકંજામાં લઈ લીધા છે.


હાલમાં પોલીસે આરોપી પિતાને કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ શરૂ કરી છે. આખરે કયા કારણોસર પિતાએ પોતાના જ યુવાન પુત્રની હત્યા કરવાનું આત્યંતિક પગલું ભર્યું, પરિવારમાં કોઈ આંતરિક અણબનાવ હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે તમામ બાબતો પરથી પડદો ઉંચકવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આઘાતજનક બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application