ધમકી આપતા વિપ્ર શખ્સ સામે ગુનો
દ્વારકા ખાતેના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા અને સુરજકરાડી વિસ્તારમાં સ્થાનિક પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા દિપેશભાઈ વિનુભાઈ ઝાખરીયા નામના 23 વર્ષના લોહાણા યુવાન ગત તારીખ 16 ના રોજ હેલ્થ સેન્ટરમાં તેમની કાયદેસરની ફરજ પર હતા, ત્યારે મીઠાપુરમાં રહેતો શ્રીનાથ ઉર્ફે શીનુ કિરીટભાઈ જોશી નામનો શખ્સ દીપેશભાઈ પાસે આવ્યો હતો અને તેમને કહેલ કે "તે કેમ મારી બહેન સાથે ઊંચા આવજે વાત કરી?" આમ કહ્યા બાદ આરોપી શ્રીનાથ ઉર્ફે શીનુએ દીપેશભાઈને ગાલ પર ફડાકા ઝીંકી, મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.
એટલું જ નહીં, આરોપીએ આયુષ્યમાન આરોગ્ય મંદિરની પ્લાસ્ટિકની ખુરશી તથા નાના બાળકોનો વજન કરવાનો કાંટો તોડી નાખી અને સરકારી મિલકતને નુકસાની પહોંચાડી હતી. આ પ્રકરણમાં આરોપી શ્રીનાથ ઉર્ફે શીનુ જોશીએ ફરિયાદી એવા સરકારી કર્મચારી દીપેશભાઈ ઝાખરીયાને અપમાનિત કરી, બહાર નીકળીશ તો જોઈ લઈશ તેવી ધમકી તેમને તથા તેમના સ્ટાફને ઉચ્ચારી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે હેલ્થ વર્કરની ફરિયાદ પરથી આરોપી શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
પવનચક્કીના કર્મચારીને અટકાવી, રૂ. પાંચ લાખની માંગણી કરતા શખ્સ સામે ગુનો
પોરબંદર તાલુકાના મોરાણા ગામના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 15 એપ્રિલના રોજ કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામથી વિન્ડ ફાર્મ લોકેશન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભોગાત ગામના જેશા કંડોરીયા નામના શખ્સએ તેમને અટકાવ્યા હતા અને તેની જમીનની બાજુમાંથી નીકળતા રસ્તા પર ચાલવા બાબતે બોલાચાલી કરી, બીભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, આરોપી જેશા કંડોરીયાએ ફરિયાદી ધર્મેન્દ્રસિંહ જેઠવા પાસે બળજબરીથી રૂ. પાંચ લાખની માંગણી પણ કરી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ રવામાં આવી છે.
કલ્યાણપુર નજીક છકડો રીક્ષાની અડફેટે યુવાન ઇજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા મોહનભાઈ રામશીભાઈ ગામી નામના 41 વર્ષના કોળી યુવાની ગત તારીખ 13 ના રોજ બપોરના સમયે ભાટિયા બાયપાસ પાસેથી જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા છકડો રીક્ષા ચાલકે મોહનભાઈને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને આરોપી રીક્ષા ચાલક નાસી છૂટ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે રમેશભાઈ રામશીભાઈ ગામી (ઉ.વ. 34, રહે. રાવલ)ની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા છકડો રીક્ષા ચાલક સામે ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.