BREAKING NEWS

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે સત્તાવાર નિમણૂંક, સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

  • October 05, 2026 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ ૧૨૪ના ક્લોઝ (૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે સત્તાવાર નિમણૂક કરી છે. આ સંદર્ભે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા આજે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ સુનિતા અગ્રવાલ પોતાનો પદભાળ સંભાળશે તે તારીખથી જ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થઈ જશે. આ મહત્વપૂર્ણ જાહેરનામું સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.


આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં તમામ માનનીય જજીસ અને સરકારી વકીલોની વિશેષ ઉપસ્થિતિમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. જ્યાં સુધી ગુજરાત હાઇકોર્ટના નવા કાયમી ચીફ જજની ઓફિશિયલ નિમણૂક નથી થતી, ત્યાં સુધી હાઇકોર્ટના સિનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠક એક્ટિંગ ચીફ જજ તરીકેનો વહીવટી અને ન્યાયિક કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સુનિતા અગ્રવાલ ૩ વર્ષ પહેલાં સોનિયા ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે અને જુલાઈ ૨૦૨૩થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે ૧૯૮૯માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા બાદ ડિસેમ્બર ૧૯૯૦થી લીગલ પ્રોફેશનની શરૂઆત કરી હતી.


હાઇકોર્ટમાં જજીસની ખાલી જગ્યાઓ અને આગામી સંભાવનાઓ

વર્તમાન સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ બાવન જજીસની મંજૂર જગ્યાઓ સામે માત્ર ૩૩ જજીસ જ કાર્યરત છે, જ્યારે ૧૯ જગ્યાઓ હજુ ખાલી પડેલી છે. ભારતીય ન્યાયતંત્રમાં હાઇકોર્ટના જજીસ માટે નિવૃત્તિની ઉંમર ૬૨ વર્ષ અને સુપ્રીમ કોર્ટ માટે ૬૫ વર્ષ નક્કી કરાઈ છે. જસ્ટિસ અગ્રવાલના બઢતી બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ તરીકે માનસ રંજન પાઠક રહેશે, જેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે. આગામી સમયમાં સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જજ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈ યોગ્ય નામની ભલામણ કરવામાં આવી શકે છે.


અગાઉ ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયેલા ન્યાયાધીશો

આ ઉચ્ચ નિમણૂક પૂર્વે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી જસ્ટિસ નિલય અંજારિયા અને જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા છે. જસ્ટિસ વિપુલ મનુભાઈ પંચોલીને ઓગસ્ટ ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા, જેમણે ૧૯૯૧માં ગુજરાત હાઈકોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને સરકારી વકીલ તરીકે પણ સેવાઓ આપી હતી. જ્યારે જસ્ટિસ એન.વી. અંજારિયા ૨૧ નવેમ્બર ૨૦૧૧થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત રહ્યા હતા, ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા અને અંતે ૩૦ મે ૨૦૨૫ના રોજ તેઓ સુપ્રીમના જજ તરીકે પદોન્નત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News