BREAKING NEWS

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 27 ભારતીયો ધરાવતા ઓઈલ ટેન્કર પર હુમલો: એન્જિન રૂમમાં લાગી આગ, તમામ નાવિકો સુરક્ષિત

  • October 31, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવતા Strait of Hormuzમાં શુક્રવારે એક મોટી દરિયાઈ હુમલાની ઘટના સામે આવી છે. 27 ભારતીય નાવિકોને લઈને જઈ રહેલા પનામાના ધ્વજ ધરાવતા ઓઈલ ટેન્કર 'MT LOUISE 1' પર બે સી-માઈન્સ (દરિયાઈ બોમ્બ) વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે જહાજના એન્જિન રૂમમાં ભયાનક આગ લાગી ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે જહાજની કામગીરી અને સંચાલન ઠપ્પ થઈ ગયું હતું.


ન્યૂઝ એજન્સીના અહેવાલો મુજબ, એક નાની બોટ દ્વારા જહાજના નીચલા ભાગમાં બે 'લિમપેટ માઈન્સ' (Limpet Mines) ચોંટાડવામાં આવી હતી. આ એવી વિશેષ દરિયાઈ માઈન્સ હોય છે જેને જહાજની બહારની મેટલ બોડી સાથે ચોંટાડીને વિસ્ફોટ કરવામાં આવે છે. વિસ્ફોટ થતાં જ એન્જિન રૂમમાં આગ ભાનકી ઉઠી હતી. જોકે, જહાજ પર સવાર ભારતીય કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને તુરંત આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ ભારતીય નાવિક ઘાયલ થયો નથી અને સમુદ્રમાં તેલનું પણ કોઈ લીકેજ થયું નથી. ત્યારબાદ ટેન્કરે પોતાની મુસાફરી ફરી શરૂ કરી દીધી હતી.


બ્રિટનની સમુદ્રી સુરક્ષા એજન્સી UKMTO ના જણાવ્યા અનુસાર, આ હુમલો ઓમાનના ખાસાબ શહેરથી અંદાજે 46 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં થયો હતો. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ આ વિસ્તારમાં વેપારી જહાજો પર હુમલાનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. આ હુમલાના એક દિવસ પહેલા જ લાઇબેરિયાના ધ્વજ ધરાવતા અન્ય એક વિશાળ તેલ ટેન્કર 'MT ARZANAH' પર પણ હુમલો થયો હતો, જેમાં 2 ભારતીય નાગરિકો સવાર હતા.


કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જહાજ પર સવાર તમામ 27 ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા પહોંચી નથી. ભારત સરકાર પરિસ્થિતિ પર સતત બારીક નજર રાખી રહી છે અને જહાજ સંચાલક કંપનીઓ સાથે સીધા સંપર્કમાં છે. દરિયાઈ સુરક્ષા નિષ્ણાતોના મતે, આ વિસ્તારમાં માઈન્સનો ઉપયોગ કરીને વેપારી જહાજોને નિશાન બનાવવાનો હેતુ આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર પોતાનો પ્રભાવ દર્શાવવાનો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application