અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી એક અત્યંત દુઃખદ અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના ફેયરફિલ્ડ શહેરમાં શુક્રવારે રાત્રે એક શોપિંગ મોલની અંદર આવેલી હેલોવીન સ્ટોરમાં અચાનક અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ભયાનક હુમલામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘાયલ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા 3 લોકોની તબિયત અત્યંત નાજુક અને ગંભીર બની રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ લોહિયાળ ઘટના હેલોવીન તહેવારની પૂર્વ સંધ્યા પર બની હતી. સોલાનો ટાઉન સેન્ટર મોલની અંદર આવેલા 'સ્પિરિટ હેલોવીન' નામના આ સ્ટોરમાં હેલોવીન તહેવાર સાથે જોડાયેલી વિશેષ પોશાકો અને સજાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તહેવારના કારણે સ્ટોરમાં લોકોની અવરજવર પણ સારી એવી હતી. ફેયરફિલ્ડ પોલીસ વિભાગને સ્થાનિક સમય અનુસાર રાત્રે અંદાજે 8:30 વાગ્યે ગોળીબાર થયાની માહિતી મળી હતી, જેના પગલે પોલીસ કાફલો અને તબીબી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલામાં ભોગ બનેલા તમામ સાતેય લોકોને ગોળી વાગી હતી. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને તમામ 6 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફેયરફિલ્ડના પોલીસ વડા ડૈન માર્શલે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ હાલ ફરાર થયેલા સંદિગ્ધ હુમલાખોરની સઘન શોધખોળ કરી રહી છે. પોલીસ દ્વારા હજુ સુધી પીડિતોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી.
શનિવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરતા પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ફોરેન્સિક તપાસ ચાલુ છે અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવા માટે ડિટેક્ટિવ્સની ટીમો કામે લાગી છે. ઉલ્લેખનીય છે કે ફેયરફિલ્ડ શહેર સાન ફ્રાન્સિસ્કોથી આશરે 72 કિલોમીટર અને સેક્રામેંટોથી અંદાજે 60 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે.