ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં ઉત્સાહભેર વાવણી કરનાર ધરતીપુત્રો માટે હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવસારી, સુરત, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં તો ભારે વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં માત્રે 17 ટકા જ વરસાદ નોંધાયોછે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસું તદ્દન નબળું સાબિત થયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદે ખેંચાણ સર્જતા અને સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં લહેરાતો ઊભો પાક પાણી વિના મુરઝાવા લાગ્યો છે.
સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર જિલ્લાઓ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. આ વિસ્તારોમાં મોસમનો માત્ર ૧૭ ટકા જેટલો જ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૬૦ દિવસથી અહીં એક પણ છાંટો વરસાદ વરસ્યો નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૦-૨૧ની 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના'ની જોગવાઈ અનુસાર જો કોઈ વિસ્તારમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો તેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. આ નિયમ હેઠળ ચારેય જિલ્લાઓને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત આપવાની માંગ ઉઠી છે.
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થવાની આશાએ ખેડૂતોએ ભારે સાહસ કરીને મોંઘા ભાવના બિયારણો, ખાતર અને મજૂરીનો મોટો ખર્ચ કરીને વાવણી કરી હતી. પરંતુ વરસાદી ખેંચના કારણે હવે મગફળી, કપાસ, તલ અને અડદ સહિતના તેલીબિયાં તેમજ કઠોળના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પાણીના અભાવે ખેત ઉત્પાદનનો તમામ ખર્ચ માથે પડે તેવી ભીતિ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. સમયસર પાણી ન મળતા ધરતીપુત્રો માટે વરસાદી પાણી હવે મૃગજળ સમાન સાબિત થઈ રહ્યું છે.
સ્થિતિ એટલી ગંભીર બની છે કે રાજકોટ, દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક સુકાઈ જતાં લાચાર બનેલા ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. નિરાશ થયેલા ખેડૂતો પોતાના જ ખેતરોમાં ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી રહ્યા છે, તો કેટલાક ખેડૂતોએ ખેતરોમાં ઢોર-ભેંસો છૂટી મૂકી દીધી છે જેથી સુકાઈ ગયેલા પાકનો નિકાલ થઈ શકે. બીજી તરફ, કૃષિ બચાવવા માટે ઠેર-ઠેરથી કેનાલ કે સિંચાઈનું પાણી આપવાની ભારે માંગ ઉઠી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં હાલ ગુજરાતમાં કોઈ મોટા વરસાદના એંધાણ દેખાતા નથી. આ તરફ આકાશ સામે મીટ માંડીને બેઠેલા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જો સરકાર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરીને સિંચાઈનું પાણી કે આર્થિક સહાય પૂરી પાડવામાં નહીં આવે તો રાજ્યનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે.