જંગલેશ્વર મેગા ડિમોલિશનના ખાણી પીણીના ખર્ચના બિલ મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ રજૂ કરાઇ હતી. જો મ્યુનિસિપલ અધિકારીઓની તપાસ ટીમ તપાસ કરે તો સત્ય બહાર નહીં આવે તેવી શંકા દર્શાવી હતી તેમજ બિલાડીને દૂધના રખોપાં સોંપાતા હશે કંઇ? તેમ કહી ડેપ્યુટી કમિશનરને રમકડાની બિલાડી ભેટ આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખેલા અને ડેપ્યુટી કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ખર્ચને લગતી જે વિગતો જાહેર થઈ રહી છે તે અત્યંત ગંભીર, ચિંતાજનક અને જાહેર હિતને સ્પર્શતી છે. જાહેર નાણાંના ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી હોવી આવશ્યક છે, પરંતુ ડિમોલિશનના નામે રજૂ થયેલા વિવિધ બિલો અને ખર્ચ અંગે સમગ્ર રાજકોટ શહેરમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આ માત્ર ખર્ચનો મુદ્દો નથી, પરંતુ રાજકોટની જનતાના પરસેવાના પૈસાના સંભવિત દુરુપયોગ અને કથિત ભ્રષ્ટાચારનો ગંભીર મુદ્દો છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત અન્ય વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરની જનતા આજે સવાલ પૂછે છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આટલો મોટો ખર્ચ શા માટે અને કયા આધાર ઉપર કરવામાં આવ્યો? આ તમામ ખર્ચ ખરેખર કામગીરી માટે જરૂરી હતો કે નહીં તથા રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત રજૂ થયેલા તમામ બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, ચુકવણીઓ તથા સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને કેટલાં બિલો સાયાં છે, કેટલાં ખોટાં અથવા બનાવટી છે તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી જાહેર નાણાંનો કેટલો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો છે તેની સંપૂર્ણ વિગતો રાજકોટની જનતા સમક્ષ જાહેર કરવી જરૂરી છે.
આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યું છે કે આથી અમારી કોંગ્રેસ પક્ષ તરફથી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવે છે (૧) સમગ્ર મામલાની તપાસ માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા શાસક પક્ષના પ્રતિનિધિઓની સમિતિ દ્વારા નહીં, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરીને કરાવવામાં આવે. (૨) ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા દરેક ખર્ચ, દરેક બિલ, દરેક ચુકવણી, દરેક ટેન્ડર, દરેક વર્ક ઓર્ડર તથા દરેક કોન્ટ્રાકટની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે, જેથી રાજકોટની જનતાને સાચી હકીકતની જાણ થઈ શકે(૩) તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો છે ત્યારે તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે. (૪) સમગ્ર તપાસનો અહેવાલ તથા તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહી જાહેર કરીને રાજકોટની જનતા અને મીડિયાને માહિતગાર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં જાહેર નાણાંના દુરુપયોગને રોકી શકાય.જાહેર નાણાં એ જનતાની અમાનત છે. રાજકોટની જનતાના પરસેવાના પૈસાનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં અને કાયદેસર રીતે ખર્યાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક તેમજ કાનૂની જવાબદારી છે. તેથી આ સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કરવામાં ન આવે, પરંતુ સંપૂર્ણ પારદર્શિતા સાથે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિત વ્યક્તિઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી કોંગ્રેસ પક્ષ તરફથી સ્પષ્ટ અને મક્કમ માંગ છે.
ઉપરોક્ત આવેદનપત્ર પાઠવતી વેળાએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખડૉ.રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં મહેશભાઈ રાજપૂત,વશરામભાઈ સાગઠિયા, ગોપાલભાઈ અનડકટ,અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ દાઉદાણી,મનીષાબેન રોજાસરા,મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવડા, ડી.પી.મકવાણા, અતુલભાઈ રાજાણી,ઇબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાઘેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી,ગાયત્રીબા વાઘેલા,સંજય ભાઈ અજુડિયા, દીપ્તિબેન સોલંકી,નીતિન ભંડારી,વૈશાલીબેન શિંદે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.