રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના બિલ્ડિંગ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થઇ રહ્યાનો વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે, જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભ પૂર્વે કોંગી કોર્પોરેટરોએ પ્લે કાર્ડ ફરકાવી આ મામલે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
વિશેષમાં આ અંગે મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કોમલબેન ભારાઇ, મકબુલભાઇ દાઉદાણી અને ભાનુબેન સોરાણી સહિતના વોર્ડ નં.૧૫ના ચારેય કોંગી કોર્પોરેટરોના નામે જારી કરેલા એક સંયુક્ત અખબારી નિવેદનમાં બિલ્ડિંગ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા મામલે રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો ખુલો આક્ષેપ કર્યો છે.
વિશેષમાં વિપક્ષી કોર્પોરેટરોએ અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ દ્વારા સરકારને રજૂઆતો કરી હતી જેના અનુસંધાને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૧૬.૧૦.૨૦૨૫ના એક હુકમ કરવામાં આવે છે છે કે રાજકોટ મહાનગરપાલિકાએ અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળની હદમાં તા.૧.૧.૨૦૨૪ પહેલા રહેણાંક, વાણિજ્યક તેમજ મિક્સ પ્રકારના હેતુ માટે બાંધકામની પરવાનગી મેળવેલી હોય તેમ જ રેરામાં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ હોય તથા સ્થળ ઉપર બાંધકામ શરૂ કરવામાં આવેલ હોય તેવા પ્રકરણોમાં મહત્તમ ૦.૬૦ સુધીની પહોળાઈના પ્રોજેક્શનના કરેલ બાંધકામને વપરાશી વિસ્તાર સાથે ભેળવી દેવામાં આવેલ હોય તે ક્ષેત્રફળને એફએસઆઇની માંગણી રસ્તા મુજબ મળવાપાત્ર મહત્તમ ઉંચાઈની મર્યાદામાં જે તે પ્રોજેક્ટમાં જો આવા વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઇની મર્યાદામાં હોય તો વધારાના બાંધકામને પેઇડ એફએસઆઈ તરીકે ગણી બે ગણી રકમનો વધારો કરવાનો રહેશે. જે તે પ્રોજેક્ટમાં જો વધારાના બાંધકામ મળવાપાત્ર એફ એસ આઇ કરતા પણ વધારે થતું હોય તો સદર વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રીના ૧૦૦ ટકા વસૂલ કરવાના રહેશે. સરકારી ગાઈડલાઈન અને તેના હુકમ પ્રમાણે જીડીસીઆરના નિયમો મુજબ નહીં વર્તન કરનાર બિલ્ડરો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આક્ષેપો કરતા ઉમેર્યું છે કે, અમારા આંતરિક વર્તુળ દ્વારા જાણવા મળે છે કે ભાજપના જ એક પદાધિકારી અને એક ભાજપના આગેવાન બિલ્ડરો સાથે મીટીંગ કરીને સરકારમાં રૂપિયા ના ભરવા પડે તેના માટેનું આયોજન થઈ રહ્યું છે તો શું બિલ્ડરોએ મિલકતો વેચી ખરીદનાર પાસેથી ફ્લાવર બેડની જગ્યાના નાણા લીધા નથી ? લીધા તો હશે જ પણ સરકારમાં ભરવા નથી અને ભાજપના બે આગેવાનોએ સેટિંગ કરીને બિલ્ડરોને બચાવવા નીકળ્યા છે અમારે તેમને પૂછવું છે કે શું આ રૂપિયા પ્રજાના નથી? પ્રજા ઉપર તેનો અધિકાર નથી? અને અને જો તમે કરો છો તેમાં પ્રજાનું હિત હોત તો અમે તમારી વાતને ટેકો પણ આપત પણ આપ તો પ્રજાના જ પૈસા ડુબાડવા નીકળ્યા છો !
અંતમાં જણાવ્યું છે કે, હવે બન્યું છે એવું કે મોટાભાગના બિલ્ડરોએ ફ્લેટો વેચી નાખ્યા છે તો તે લોકો બિલ્ડીંગ પ્લાન રીવાઇઝ કેવી રીતે મૂકી શકે ? આર્કિટેક્ચરલ પ્રોજેક્શન વાળા બિલ્ડીંગો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જે તે અધિકારીઓ આમાં આંખ આડા કાન કરે છે અને બિલ્ડરોને છાવરે છે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. સી. જી. ડી. સી. આરમાં ઉલ્લેખ છે કે કમ્પ્લીસન સર્ટિફિકેટ માટે જે તે ફાઈલ ઇનવર્ડ થાય ત્યારથી ૨૧ દિવસમાં ફાઈલ મંજૂર અથવા ના મંજૂર થવી જોઈએ અને આ ફાઈલ રાખી મૂકનાર સામે પગલાં લેવા જોઈએ અને જો આવા પ્રોજેક્શન વાળા બિલ્ડીંગના પ્લાન રિવાઇઝ થાય તો તેમાં વધારાનું બાંધકામ છે તો ફાયર એનઓસી કેમ માગવામાં આવતું નથી ? અને આવા પ્રોજેક્શન વાળા બિલ્ડીંગના રિવાઇઝ પ્લાન મૂકવામાં આવે ત્યારે મુકનારનું રજિસ્ટર્ડ સોગંદનામુ તથા રજીસ્ટ્રાર ઓફિસનું એનઓસી લેવું જોઈએ કે આ બિલ્ડીંગમાં કોઈ વેચાણ થયેલ નથી તેની ચકાસણી માટે અમે પ્લાન મૂકનાર આ મિલકતના માલિક છે તે સાબિત કરવા માટે સોગંદનામુ કરવું જોઈએ હજુ આ પ્રોજેક્શન વાળા નવા બાંધકામો ચાલુ થયા છે તો તેની ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં લેવા છે કે નહીં તો આપ કેમ લેતા નથી !?