BREAKING NEWS

50 વર્ષ બાદ દેશમાં આવી દિવાળી આવીઃ બસ્તરના જંગલોમાં PM મોદીની જવાનો સાથે દીપોત્સવની ઉજવણી

  • November 08, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે છત્તીસગઢના બસ્તરમાં સરહદ પર તૈનાત વીર જવાનો વચ્ચે પહોંચીને દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. જવાનોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "કારગિલથી લઈને લેહ-લદ્દાખ સુધી, સમુદ્રકાંઠે સર ક્રીકથી લઈને આઈએનએસ વિક્રાંત સુધી, વીર જવાનો સાથે મનાવવામાં આવેલી દરેક દિવાળી મારા માટે અત્યંત યાદગાર રહી છે. મારા વીર જવાનો, આ વખતે હું તમારી વચ્ચે બસ્તરના આ દુર્ગમ જંગલોમાં દિવાળી મનાવવા આવ્યો છું."


નક્સલી હિંસા પર કાબૂ અને વિકાસનો નવો અરૂણોદય

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ બસ્તરના ભૂતકાળ અને વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ એ જ ભૂમિ છે જ્યાં એક સમયે નક્સલી આતંકનો ભારે કહેર વર્તાતો હતો અને લોકો ભયના છાયામાં જીવતા હતા. પરંતુ આજે આપણા જવાનોના અપ્રતિમ સાહસ, ત્યાગ, તપસ્યા અને સમર્પણને કારણે આ વિસ્તારમાં નક્સલી હિંસાનો પ્રભાવ ઘણો ઓછો થઈ ગયો છે અને બસ્તરમાં શાંતિ તથા વિકાસની એક નવી દિવાળીની શરૂઆત થઈ ચૂકી છે.


વર્ષ ૨૦૨૬ની દિવાળી ઐતિહાસિક અને વિશેષ

પીએમ મોદીએ આ વર્ષની દિવાળીને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, “વર્ષ ૨૦૨૬ની દિવાળી અત્યંત વિશેષ છે. છેલ્લા ૪૦-૫૦ વર્ષ બાદ દેશમાં આવી દિવાળી આવી છે. આ દેશની પ્રથમ એવી દિવાળી છે, જ્યારે ભારતે નક્સલવાદ અને માઓવાદી આતંકવાદ વિરુદ્ધ દાયકાઓથી ચાલતી લડાઈમાં નિર્ણાયક અને ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે.” જવાનોના શૌર્યના કારણે દેશ આજે સુરક્ષિત અને પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે.


જવાનો સાથે દિવાળી મનાવવાની ૧૨ વર્ષની પરંપરા

વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સતત જવાનો વચ્ચે જઈને દિવાળી ઉજવે છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૫ સુધીમાં તેઓ ૧૨ વખત દેશના અલગ-અલગ સરહદી વિસ્તારોમાં જઈને જવાનો સાથે પર્વ ઉજવી ચૂક્યા છે. ગત વર્ષે તેમણે ગોવામાં આઈએનએસ (INS) વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે દિવાળી મનાવી હતી, જ્યારે ૨૦૨૪માં તેઓ ગુજરાતના કચ્છ સરહદે પહોંચી BSF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો સાથે ખુશીઓ વહેંચી હતી.


સરહદો પર જવાનોનું મનોબળ વધારતો પ્રયાસ

વડાપ્રધાન અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખની પણ બે-બે વખત મુલાકાત લીધી છે. દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનો વચ્ચે પીએમની ઉપસ્થિતિ તેમનામાં નવો ઉત્સાહ અને દેશસેવા માટેનું મનોબળ પૂરું પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application