વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’ના મંચ પરથી વૈશ્વિક રોકાણકારોને અનોખો ભરોસો આપ્યો હતો. વર્ષ ૨૦૨૬ના પ્રારંભે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ રાજકોટ પહોંચેલા વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "તમારા ઇન્વેસ્ટમેન્ટની પાઈ-પાઈ અહીં રિટર્ન આપશે. અમારી રિફંડ એક્સપ્રેસ હવે રૂકવાની નથી."
રોકાણકારો માટે સુવર્ણકાળ: ‘આ જ સમય છે’
વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આપેલા મંત્રને દોહરાવતા રોકાણકારોને આહ્વાન કર્યું કે ભારતની વિકાસયાત્રામાં જોડાવાનો આ જ સાચો સમય છે. તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ સમિટ હવે માત્ર રોકાણનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશિપનો બેન્ચમાર્ક બની ગઈ છે. ૨૧મી સદીના આધુનિક ભારતની ઝાંખી આજે આ મંચ પર જોવા મળી રહી છે, જ્યાં દેશ હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ: સંઘર્ષથી સફળતાની નવી ઊંચાઈ
સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોની ખુમારીને બિરદાવતા મોદીજીએ કહ્યું કે, "ચેલેન્જ ગમે તેવી મોટી હોય, પરંતુ અહીંના લોકો ઈમાનદારી અને મહેનતથી તેને સફળતામાં બદલવાનું જાણે છે." તેમણે ઉદ્યોગ જગતના મહત્વના કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો:
રાજકોટ: ૨.૫ લાખથી વધુ MSME અને વિશ્વપ્રસિદ્ધ જ્વેલરી ઉદ્યોગનું હબ.
મોરબી: ટાઇલ્સ ઉત્પાદનમાં વિશ્વમાં ડંકો વગાડતું કેન્દ્ર.
અલંગ: દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ.
તેમણે ભૂતકાળને યાદ કરતા ટાંક્યું કે, "મેં જ્યારે કહ્યું હતું કે રાજકોટ, જામનગર અને મોરબી 'મિનિ જાપાન' બનશે ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી, પરંતુ આજે હું તેને વાસ્તવિકતામાં બદલાતા જોઈ રહ્યો છું."
ડિજિટલ અને ઇન્ડસ્ટ્રિયલ લીડર તરીકે ભારત
ભારતની વૈશ્વિક સિદ્ધિઓની વાત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા કન્ઝ્યુમર અને બીજું સૌથી મોટું મોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. UPI ના માધ્યમથી રિયલ ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારત આજે વિશ્વમાં અગ્રેસર છે. મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ પણ ભારત આજે દુનિયાના ટોપ-૩ દેશોમાં સ્થાન પામ્યું છે.
ભવિષ્યનું વિઝન: ગ્રીન એનર્જી અને ગીર ગાય
કચ્છમાં બની રહેલા ૩૦ ગીગા વોટના દુનિયાના સૌથી મોટા એનર્જી પાર્ક વિશે જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર સાબિત થશે. સાથે જ, રવાન્ડામાં ગિફ્ટ આપેલી ૨૦૦ ગીર ગાયો આજે ત્યાં હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે, જે ગુજરાતની સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ આપે છે.
અંતમાં, વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સૌરાષ્ટ્ર અને કચ્છની આ કોન્ફરન્સ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના લક્ષ્યને નવી ગતિ આપશે.