BREAKING NEWS

PM મોદીએ ઉઝબેકિસ્તાનના લોકોને યોગ શીખવાડ્યા, રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે યોજાશે મહત્વપૂર્ણ બેઠક

  • August 30, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઉઝબેકિસ્તાન પહોંચ્યા છે. પ્રવાસના બીજા દિવસે રવિવારે સવારે તેમણે રાજધાની તાશ્કંદ ખાતે આયોજિત એક વિશેષ યોગ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાને સ્થાનિક નાગરિકો અને યોગ ઉત્સાહીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો તેમજ ઉઝબેકિસ્તાનના લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે યોગ કરવાનું પણ શીખવ્યું હતું.  

પોતાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી તાશ્કંદમાં આવેલા ઐતિહાસિક લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઈને ભારતના પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ ઉપરાંત તેઓ તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ ખાતે આવેલા મહાત્મા ગાંધી સેન્ટરની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ ચોથો ઉઝબેકિસ્તાન પ્રવાસ છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને દ્વિપક્ષીય સંબંધોને દર્શાવે છે.  

તાશ્કંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, સંરક્ષણ ક્ષેત્રે સહયોગ, ઊર્જા, શિક્ષણ અને બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.  

આ ઉપરાંત, આ મહત્વપૂર્ણ બેઠકમાં ભારતના 'વિકસિત ભારત ૨૦૪૭' વિઝન અને 'ઉઝબેકિસ્તાન-૨૦૩૦' લક્ષ્યાંક હેઠળ બંને દેશો વચ્ચે ભાગીદારી તથા સહયોગ વધારવાના નવા ક્ષેત્રો અને રસ્તાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. ઉઝબેકિસ્તાનની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના મધ્ય એશિયા પ્રવાસના આગામી તબક્કામાં કિર્ગિસ્તાનના બિશ્કેક જવા રવાના થશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application