BREAKING NEWS

PM મોદી દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ખાટલા સભા કરશે, બનાસકાંઠાના ભીલડીમાં ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવાયા

  • October 29, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતે દેશમાં પ્રથમવાર ખેડૂતો સાથે 'ખાટલા સભા' કરશે. ગ્રામીણ પરંપરાને માન આપીને ભીલડી ખાતે સભામાં આવનાર ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરશે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડી ખાતે આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ કિસાન યોજનાનો રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુનો 24માં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. એકલા ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૦૦૦ કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજનાના પ્રથમથી ૨૩મા હપ્તા સુધીમાં દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવાઈ ચૂકી છે, જેમાં ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. ૨૪,૧૩૭ કરોડથી વધુની રકમ મળી છે.   

ભીલડી ખાતે આવતીકાલે ૩૦ ઓક્ટોબરે યોજાનાર આ સભામાં વડાપ્રધાન બનાસ ડેરીના પાંચ મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં ૧૨૭ એકર જમીનમાં રૂપિયા ૩૨૫ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-બીબીબીઆરસી’નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઉત્તમ બ્રિડના પશુધનના સંવર્ધનને વેગ આપવા માટે બનાવાયેલું આ કેન્દ્ર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ ઉપરાંત, બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને યુએચટી-એએસઆરએસ પ્રકલ્પનું ઇ-લોકાર્પણ તથા થરાદ અને રાધનપુર ખાતે નવા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ સંપન્ન થશે.   

આ પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૩૪ જિલ્લા કક્ષાના અને 2100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભીલડીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. આ તમામ સ્થળોએ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને કૃષિ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં કૃષિ તથા બાગાયત વિભાગની યોજનાઓ હેઠળ સહાયપત્રોનું વિતરણ કરાશે.   

આ પ્રવાસના અન્ય કાર્યક્રમો અંતર્ગત વડાપ્રધાન ૩૦ ઓક્ટોબરે સાંજે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લઈ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર ‘આનંદમઠ’ નાટક નિહાળશે. ત્યારબાદ ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. વડાપ્રધાન ‘આરંભ ૨૦૨૬’ કાર્યક્રમમાં તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ સાધશે અને રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલશે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application