BREAKING NEWS

રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો યોજાશે, સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે

  • January 01, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી 11 અને 12 જાન્યુઆરીએ મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીનો રાજકોટમાં રોડ-શો પણ યોજાશે. રાજકોટના જુના એરપોર્ટ ખાતે તેમનું સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે. 


ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે

આ અંગે આજે સમીક્ષા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે બાદ જાહેર કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જુના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. ગુજરાતની પ્રથમ રિજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે ત્યારે તેમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યા હોય તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઓટો મોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે.


રાજકોટમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બીજી રીજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર - કચ્છ માટે રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીના યોજાઇ રહી છે. જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. જે માટે તા.11 મીએ બપોરે વડાપ્રધાન મોદી રાજકોટના જુના એરપોર્ટ ખાતે પહોંચશે જેથી તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે પીએમનું સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે.


PMના હસ્તે ટ્રેડ શોને ખુલ્લો મૂકાશે

મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે તેમાં ટ્રેડ શોનું પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો છે. અત્યાર સુધીમાં 6,364 રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે. જેમાં ભારત સહિત 22 દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાના રજિસ્ટ્રેશન થયા છે. 26400 ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન યોજાશે. જે મહેસાણાથી પણ મોટું હશે. આ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે. જેમાં MSME, કુટિર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે. જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે. જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000 થી વધુ ઉદ્યમીઓ હશે. 20 થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application