અરબી સમુદ્રમાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લક્ષદ્વીપ નજીક એક બોટને આંતરી તેમા તપાસ કરતા 3,000 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું. બોટમાં સવાર પાંચ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશની દરિયાઈ સીમા પર અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટની કમર તોડી નાખી છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરવામાં સફળતા મળી હતી. આ બોટમાંથી અંદાજે ૫૨૬ કિલોગ્રામ જેટલો ઉચ્ચ ગુણવત્તાવાળો (હાઈ ગ્રેડ) નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેણે સુરક્ષા વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે.
નાઈઝીરીયને અમદાવાદમાં ગુજરાતના વોન્ટેડ સાથે બેઠક કરી હતીઃ એટીએસ
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું કે થોડા સમય અગાઉ એક નાઈઝીરીયન વ્યક્તિની ગુજરાતના એક વોન્ટેડ માણસ સાથે અમદાવાદમાં મીટીંગ થઈ હતી. જેમાં આ ડ્રગ્સની લેવડદેવડની વાતચીત થઈ હતી. આ મિટિંગમાં આઝાદ નામની ઈરાની બોટ મારફતે 500 કિલો એમડી ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જેના પૈસા પણ હવાલા મારફતે એડવાન્સમાં મોકલી દીધા હતા.
તમિલનાડુમાં ડ્રગ્સની ડિલિવરી થવાની હતી
સુનિલ જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સના કેસ વધુ થતાં ડ્રગ માફિયાઓ આ વખતે કોચી, લક્ષદ્વીપ અને મુંબઈ થઈ તમિલનાડુમાં બોટ દ્વારા ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા, તે પહેલા જ એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં લક્ષદ્વીપથી 160 નોટિકલ માઈલ અને મુંબઈથી 490 નોટિકલ માઈલ આ ડ્રગ્સનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનીઓ તમિલનાડુમાં બોટથી ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા છેલ્લા 15 દિવસથી ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન દરિયામાં અનેક શંકાસ્પદ બોટ રોકીને તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ બોટને પણ રોકીને તપાસ કરતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે પાંચ પાકિસ્તાની નાગરિક પણ મળી આવ્યા હતા, જે તમામને મુંબઈના જેટી પર લાવવામાં આવ્યા છે,અત્યારે પંચનામુ ચાલી રહ્યું છે.