BREAKING NEWS

જામનગર : પરિમલ નથવાણી એટલે ગુજરાતની બહુમુખી પ્રતિભા

  • January 31, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૯૫૬માં મુંબઈ (બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ અનન્ય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના ગુરૂ અને આદર્શ માનનારા પરિમલભાઈએ ઘણા લાંબા સમય સુધી તેમની સાથે નજીકથી કામ કર્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં એકમેવ... ધીરૂભાઈ અંબાણી પુસ્તક થકી પરિમલભાઈએ ધીરૂભાઈ સાથેના સંસ્મરણોને પુસ્તક રુપે પ્રકાશિત કર્યા, જેમાં તેમણે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ જેવા બહુગુણી ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વિગેરે અનુભવોને શબ્દોમાં કંડાર્યા છે. રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય પરિમલ નથવાણીએ પોતાની આગવી કોઠાસૂઝથી રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રીઝની સ્થાપનાથી લઈ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટસ, રિટેલની સ્થાપનાથી લઈ ગેસ ટ્રાન્સપોર્ટેશન તથા જિયો મોબાઈલ નેટવર્કના આડેના અવરોધોને સરળતાથી નિર્વિધ્ને દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.


વર્ષ-૨૦૦૮થી ૨૦૨૦ એમ સતત ૧૨ વર્ષ સુધી ઝારખંડથી રાજ્યસભાના સાંસદ રહેલા પરિમલ નથવાણીએ સાંસદ નિધિ ગ્રાન્ટ (ખઙકઅઉ)નો ૧૦૦ ટકા ઉપયોગ કરી સાંસદ આદર્શ ગ્રામ યોજના, ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિગેરે વિભાગોમાં પથદર્શક કામગીરી કરી હતી. જઅૠઢ અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે. તેમની આ કામગીરીનું નિરૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) તથા એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણીમાં સુપેરે કરાયું છે.


ઓક્ટોબર ૨૦૧૯ સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા પરિમલ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. રાજ્ય સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે શ્રી નથવાણીએ ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લઈ વૈશ્વિક બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધ્યો છે. સતત ૧૫ વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહી પરિમલભાઈએ ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનિય છે કે, નથવાણી રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળતાં નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સતત ૧૧ વર્ષ કરતાં વધારે સમયથી સભ્ય છે. આ ઉપરાંત, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ એવા નથવાણી ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ આપવામાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ રાજ્યમાં ફ્રેન્ચાઇઝી-આધારિત ફૂટબોલ લીગ ગુજરાત સુપર લીગ શરૂ કરવામાં નિમિત્ત રહેવાની સાથે નાના બાળકો માટે ’અઈંઋઋ ગોલ્ડન બેબી લીગ’ પણ શરૂ કરી છે.


પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોના જાજરમાન ગૌરવનો દુનિયા સાથે પરિચય કરાવવા તેમણે ’ગીર લાયન: પ્રાઇડ ઓફ ગુજરાત’ અને કોલ ઓફ ધ ગીર નામના બે સમૃદ્ધ પુસ્તક તૈયાર કરાવ્યા છે. આ સાથે પરિમલ નથવાણીએ એશિયાટીક સિંહો પર ધ પ્રાઇડ કિંગ્ડમ નામે એક વિડિયો ડોક્યુમેન્ટરી પણ પ્રસિધ્ધ કરી છે, જે યુટ્યુબ સહિતના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત જય-વીરુની જોડી તેમજ એક ડોક્યુમેન્ટરી જય-વીરુની અમર ગાથા પણ તેમણે ઓગષ્ટ ૨૦૨૫માં રિલીઝ કર્યાં હતાં. ગિરની સિંહણને બિરદાવતું ગીત ગિર ગજવતી આવી સિંહણ વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૪)ના દિવસે તેમણે નિર્માણ કરાવીને રિલીઝ કર્યું હતું.


પરિમલ નથવાણી સમિતિઓ/બોર્ડમાં સભ્યપદ ધરાવે છે

- પ્રમુખ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન 
- સભ્ય, વિજ્ઞાન અને તકનિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિ
- સભ્ય, સંયુક્ત હિન્દી સલાહકાર સમિતિ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમીક એનર્જી
- આજીવન સભ્ય, ભારતીય બંધારણ ક્લબ
- સભ્ય, નાથદ્વારા ટેમ્પલ બોર્ડ
- સ્થાપક ચેરમેન અને ટ્રસ્ટી, રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ 
- ચેરમેન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર
- ટ્રસ્ટી, રાજ્યપાલના સામાજિક કલ્યાણ ફંડનું બોર્ડ
- ચાન્સેલર, બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ
- સભ્ય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ડેવલપમેન્ટ બોર્ડ 
- સભ્ય, બોર્ડ ઓફ ગવર્નન્સ, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી
- સભ્ય, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિ, ગુજરાત સરકાર




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News