BREAKING NEWS

પાટણ ધોળા દિવસે ધડાધડ ફાયરિંગથી થરથરી ઉઠ્યું, બુકાનીધારી શખ્સોનો પાંચ-છ રાઉન્ડ ગોળીબાર: પોલીસના ધાડેધાડા ઉતારાયા

  • November 17, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ પાસે આજે ધોળા દિવસે અચાનક ફાયરિંગની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ હતી. 
ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લાના એસપી, એલસીબી, એસઓજી અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને નાસભાગ મચાવનાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શકમંદોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, રોટલીયા હનુમાન મંદિર નજીક આવેલી આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય ફિટનેસ સેન્ટરની નીચે બુકાનીધારી શખ્સો દ્વારા અંદાજે પાંચથી છ રાઉન્ડ જેટલો આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભરબપોરે બનેલી આ સનસનાટીભરી ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


ઘટના અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ મીડિયાને જણાવ્યું હતું કે, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત અમને જે માહિતી મળી હતી તે મુજબ, વહેલી સવારે બાઇક ઉપર સવાર થઈને બે ઇસમો આવ્યા હતા અને તેમણે અહીં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમારી આખી ટીમ તેમજ ફોરેન્સિક સાયન્સની ટીમ ગુનાવાળી જગ્યા ઉપર સઘન તપાસ કરી છે. ગુનાવાળી જગ્યાએથી પોલીસને કુલ છ ખાલી કારતૂસ મળી આવ્યા છે. આ હુમલામાં કયા પ્રકારનું હથિયાર વાપરવામાં આવ્યું હતું, હુમલો કરનાર વ્યક્તિઓ કોણ હતા અને ખરેખર તેમનો શું ઈરાદો હતો તે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.


પોલીસ દ્વારા આ ફાયરિંગ કયા કારણોસર અને કોના ઈશારે કરવામાં આવ્યું છે તે જાણવા માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસવાની અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ શહેરમાં ધોળા દિવસે બનેલી આ સનસનાટીભરી ફાયરિંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપી લેશે તેવી લોકફરિયાદ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application