એક તો આ વખતે શિયાળો મોડો શરૂ થયો છે, કોણ જાણે કયારે શરૂ થશે ? તેની કોઇને ખબર નથી, એક વખત લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રીએ પહોંચ્યું હતું ત્યારબાદ તાપમાન ૧૯ થી ૨૦ શરૂ થઇ ગયું છે, આજનું તાપમાન ૧૬.૫ ડીગ્રીએ પહોંચ્યું છે, પવનની ગતિ સાવ ઓછી થઇ ગઇ છે, હજુ ૩ દિવસ પહેલા હવામાન ખાતાએ જાહેર કર્યુ હતું કે, તા.૧થી કાતિલ ઠંડી શરૂ થશે પરંતુ હજુ સુધી ઠંડી શરૂ થઇ નથી, બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ગરમી જોવા મળે છે, સવાર અને સાંજે ઠંડીનો થોડો ચમકારો થાય છે, પરંતુ નવાનગરવાસીઓ કાતિલ ઠંડી કયારે પડશે તેની રાહ જોઇ રહ્યા છે, હવે તો વિદેશથી પણ ખીજડીયા અને રણમલ તળાવમાં વિહરવા માટે પક્ષીઓ આવી ગયા છે, પરંતુ જામનગરમાં કાતિલ ઠંડી શરૂ થઇ નથી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી. છેલ્લા અઠવાડીયા પહેલા ઠંડીનો પારો ૧૩ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ધીરે-ધીરે ઠંડી પડતી નથી, આ વખતે માવઠુ થયા બાદ આખુ ઋતુ ચક્ર બદલાઇ ગયું છે, જો કે તજજ્ઞો હજુ પણ કહે છે કે, ડીસેમ્બરમાં હજુ એક વાર માવઠુ થશે, ખેડુતો આ વખતે ભારે નુકશાનીનો ભોગ બન્યા છે, તેની સામે ૧૦ થી ૧૨ ટકા જેટલી માંડ સહાય ચુકવવાની કામગીરી શરૂ થઇ છે તે પણ ઝડપી બનાવવાની જરૂર છે, કયારેક-કયારેક ઝાકળ પડે છે, હવામાં ભેજમાં ફેરફાર થયા કરે છે ત્યારે જામનગરનું તાપમાન એક વખત ૧૨ ડીગ્રીએ પહોંચ્યું હતું, ત્યારબાદ ૧૫ થી ૧૭ ડીગ્રી રહ્યા કરે છે, હવામાન ખાતાની આગાહી સાચી પડે તો લોકોને પણ આનંદ આવે. ડીસેમ્બર આવી ચૂકયો છે, શિયાળાની મુદત કદાચ વધે તેવી શકયતા છે.
છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે.