BREAKING NEWS

સહારા ઇન્ડિયાના જમાકર્તાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કોડીનાર મામલતદારશ્રીને આવેદનપત્ર

  • August 18, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર: સહારા ઇન્ડિયા પરિવારના જમાકર્તાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે કોડીનાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી, વર્ષોથી અટવાયેલા જમાકર્તાઓના નાણાં વ્યાજ સહિત પરત અપાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.સહારા ઇન્ડિયા પરિવાર દ્વારા દેશભરમાં આશરે 5,500 જેટલી ઓફિસો મારફતે 13 કરોડ જેટલા જમાકર્તાઓ પાસેથી વિવિધ બચત યોજનાઓ હેઠળ નાની-નાની બચત એકત્રિત કરવામાં આવતી હતી. સંસ્થા દ્વારા દેશના મધ્યમવર્ગીય પરિવારોને બચત માટે પ્રોત્સાહિત કરવાની સાથે આશરે 12 લાખ કાર્યકર્તાઓને રોજગાર પણ આપવામાં આવતો હતો. જોકે, સહારા-સેબી વિવાદ બાદ સંસ્થાની કામગીરીને ગંભીર અસર થતાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બેરોજગાર બન્યા છે અને કરોડો જમાકર્તાઓના નાણાં અટવાઈ ગયા છે.સહારા ઇન્ડિયાની અનેક ઓફિસો બંધ થઈ જતાં પોતાના નાણાં પરત મેળવવા માટે દેશભરના જમાકર્તાઓ વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર, સાંસદો, ધારાસભ્યો તેમજ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા હોવા છતાં સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવ્યું નથી.
સરકારના પ્રયાસોના ભાગરૂપે આશરે ત્રણ વર્ષ અગાઉ સહકારી મંત્રાલય દ્વારા CRCS-Sahara Refund Portal શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં કરોડો જમાકર્તાઓએ પોતાના નાણાં પરત મેળવવા માટે અરજી કરી છે. તેમ છતાં, અત્યાર સુધી મર્યાદિત સંખ્યામાં જમાકર્તાઓને જ રિફંડ મળ્યું હોવાનું જમાકર્તાઓનું કહેવું છે. અનેક અરજીઓમાં મેમ્બરશીપ સંબંધિત સમસ્યા, નામમાં તફાવત (Name Mismatch) સહિતની વિવિધ ખામીઓ દર્શાવી અરજી રિજેક્ટ કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત, મૃત્યુ પામેલા જમાકર્તાઓના વારસદારો માટેની પ્રક્રિયા, તેમજ અગાઉ માસિક વ્યાજ મેળવતા જમાકર્તાઓના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી. જમાકર્તાઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં આશરે ₹9,000 કરોડની રકમનું જ વિતરણ થયું છે, જ્યારે મોટી સંખ્યામાં જમાકર્તાઓ હજુ પણ પોતાના નાણાંની રાહ જોઈ રહ્યા છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોડીનાર વિસ્તારના સહારા ઇન્ડિયાના જમાકર્તાઓ અને કાર્યકર્તાઓની મુખ્ય માંગ છે કે સહારા ઇન્ડિયાની કચેરી મારફતે જમાકર્તાઓના અટવાયેલા નાણાં વ્યાજ સહિત પરત અપાવવા માટે સરકાર તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરે અને રિફંડ પ્રક્રિયાની ખામીઓ દૂર કરી સરળ અને પારદર્શક વ્યવસ્થા ઉભી કરે.આ અંગેનું આવેદનપત્ર કોડીનાર મામલતદારશ્રીને આપવામાં આવ્યું હતું તેમજ આવેદનની નકલો ભારતના રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીને પણ મોકલવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News