ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામમાં રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ભુવાએ પોતાના શેઢા પાડોશીઓ અને કૌટુંબિક સભ્યોના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. ખેડૂતે આપઘાત કરતા પહેલાં એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાની ઉપર ગુજરેલી આપવીતી અને મજબૂરીની વિગતવાર વાત કરી હતી. આ વીડિયો વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ ખેતરમાંથી પાણીના નિકાલને લઈને શરૂ થયો હતો. મૃતક મહેન્દ્રભાઈ ભુવાના કૌટુંબિક અને શેઢા પાડોશીઓએ તેમના ખેતરમાંથી કુદરતી રીતે વહી જતા પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે બંધ કરી દીધો હતો. આ બાબતે જ્યારે મહેન્દ્રભાઈ વારંવાર પાડોશીઓને સમજાવવા માટે ગયા, ત્યારે આરોપીઓએ સમજવાને બદલે તેમની સાથે ઝઘડો કર્યો હતો. ખેડૂતનો આરોપ હતો કે, ચાર આરોપીઓ દ્વારા તેમને છેલ્લા ઘણા વર્ષોથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી અને અસહ્ય માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.
વર્ષોથી ચાલતા આ વિવાદ અને રોજ-રોજના માનસિક ત્રાસથી કંટાળીને આખરે હિંમત હારી ગયેલા ખેડૂત મહેન્દ્ર ભુવાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ મામલે મૃતકના ભાઈએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા મૃતકના ભાઈની સત્તાવાર ફરિયાદના આધારે કૌટુંબિક અને શેઢા પાડોશી એવા ચાર સખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ ચકચારી કેસ અંગે ગોંડલ ડિવિઝનના ASP નવીન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, "ધૂડસીયા ગામે ખેડૂતના આપઘાતની ઘટના ખૂબ જ દુઃખદ છે. વાયરલ વીડિયો અને મૃતકના ભાઈની ફરિયાદના આધારે સુલતાનપુર પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે. ગુનાની ગંભીરતાને જોતાં, નામજોગ ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરીને પકડી પાડવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે." હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દીધી છે.