BREAKING NEWS

રાજકોટમાં ખૌફનાક ઇરાદે ટોકળી નીકળી, પણ પોલીસે હથિયારો સાથે દબોચી લીધી

  • October 06, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પોપટપરાના નાલા નજીકથી પ્ર.નગર પોલીસે ધોકા, પાઇપ અને છરી લઈને ઉભેલા પાંચ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખસોની પુછતાછ કરતા ખૌફનાક મનસુબાનો પર્દાફાશ થયો હતો. દોઢેક માસ પૂર્વે કરાયેલા હુમલાનો આરોપી જેલમાંથી છૂટી રહ્યો હોય બદલો લેવાના ઇરાદા સાથે આ ટોળકી અહીં ઘાત લગાવી ઉભી હતી. પોલીસની સતર્કતાથી મોટી ઘટના બનતા સહેજમાં અટકી હતી.


જાણવા મળતી વિગતો મુજબ,પ્ર.નગર પોલીસ મથકના પી.આઈ. વી.આર.વસાવાની માર્ગદર્શનમાં પીએસઆઇ જે.એમ. જાડેજાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ રિયાઝભાઈ ભીપૌત્રા, ચાપરાજભાઈ ખવડ અને વનરાજભાઈ બોરીચા સહિતના સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોપટપરાના નાલા પાસે પહોંચતા પાંચ શખસો ગેરકાયદેસર છરી, ચપ્પુ, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસની ટીમે અલી રજાકભાઈ શેખ (ઉવ 20 રહે. નવા થોરાળા શેરી નંબર-2, રાજકોટ), અરબાઝ રફિકભાઈ રાઉમા(ઉવ 28 રહે. નવા થોરાળા શેરી નંબર- 2, શાળા નંબર-29 ની બાજુમાં, રાજકોટ), સોયબ રજાકભાઈ ઓડિયા (ઉવ 24 રહે. દેવપરા મેઇન રોડ, નિલમ પાર્ક સોસાયટી, ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં,રાજકોટ), અબ્દુલ અનવરભાઈ દલ (ઉવ 27 રહે. નવા થોરાળા શેરી નંબર-2,રાજકોટ) અને ઇમરાન અલ્તાફભાઈ પરમાર (ઉવ 28 રહે વિબોદનગર ક્વોટર નંબર 3, હુડકો ચોકડી પાસે, કોઠારીયા રોડ,રાજકોટ)ની ધરપકડ કરી હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.


પોલીસે આ શખસોની પુછતાછ કરતા ચોંકાવનારી હકિકત સામે આવી હતી. એક માસ પૂર્વે ઇદે મિલાદના ઝુલુસ દરમિયાન સાંજે નવા થોરાળા શેરી નંબર-2 માં રહેતા 19 વર્ષીય યુવાન સાહીદભાઈ અશરફભાઇ ઓડીયા તેના મિત્રો ગુલામરસુલ શેખ અને જયવીન ગોહેલ સાથે એ.ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ રઘુવીર ખમણની દુકાન સામે આવેલ એ.સી.બી ઓફીસ વાળી ગલીમાં ઉભા હતા. ત્યારે આશરે નંબર પ્લેટ વગરના બે મોટર સાઇકલમાં ધસી આવેલ શખસો પૈકી એક વાહનચાલકે જયમીન ગોહેલના પગ ઉપર મોટરસાઇકલ ચડાવી દીધું હતું. જેથી મોટરસાયકલ સરખું ચલાવવાનું કહેતા ઇસ્ટ્રાગ્રામમાં ફેમસ થયેલ ઉમેદ ઉર્ફે બાબરે એકદમ ઉશ્કેરાય ગાળો ભાંડી પેન્ટના નેફામાંથી છરી કાઢી સાહીદ ઓડિયાને પેટમાં ડુંટીના નીચેના ભાગે જમણી તરફ છરીનો એક ઘા મારી દીધેલ હતો. બાદ ગુલામરસુલને ડાબી બાજુ પડખાના ભાગે એક ઘા અને ડાબા હાથમાં છરી વડે છરકો મારી દીધેલ હતો. જે મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઉમીદ ઉર્ફે બાબરની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.


ગત રવિવારે ઉમીદ ઉર્ફે બાબર જેલ મુક્ત થઈ રહ્યો હતો ત્યારે બાબરના હુમલાના બનાવમાં ભોગ બનનાર યુવકના ભાઈએ ખૂન કા બદલા ખૂનની જેમ બાબર પાસે બદલો લેવા સશસ્ત્ર હુમલો કરવાના ઇરાદે પોપટપરાના નાલા પાસે ઉભા હતા પણ ટોળકી હુમલો કરે તે પૂર્વે જ પ્ર.નગર પોલીસની સતર્કતાએ મોટી ઘટના બનતા સહેજમાં અટકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application