રાજકોટમાં બી ડિવિઝન પોલીસની સતર્કતાથી લોહીયાળ અથડામણ થતા સહેજમાં અટકી હતી. પોલીસે ચાર શખસોને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતાં. ભગવતીપરાની બે ટોળકી વચ્ચે ચાલતી અદાવતમાં લોહી રેડાતા સહેજમાં અટક્યુ હતું. પોલીસે આ શખસો પાસેથી તલવાર, ફરસી સહિતના હથિયારો કબજે કર્યા હતાં.
જાણવા મળતી વિગતો મુજબ, બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ જાડેજાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે તે તથા કોન્સ્ટેબલ અજીતસિંહ પરમાર તથા જગમાલભાઈ જાદવ સહિતનો સ્ટાફ પોલીસ મથકે હાજર હતો ત્યારે ખાનગી રાહે હકીકત મળેલ કે, ભગવતીપરામાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો અરવિંદ બાવાજી તથા સિકંદર હારૂન રાઉમાને જુની અદાવત ચાલતી હોય અને સિકંદર હારૂન રાઉમા આ જુની અદાવતનો ખાર રાખી સાથે અન્ય ત્રણ મિત્રો સાથે હથિયાર ધારણ કરી ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજીને મારવાના ઇરાદા સાથે શોધે છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમ કોઇ અનિચ્છનીય બનાવ બને તે પૂર્વે જ દોડી જઈ ભગવતીપરા આશાબાપીરની દરગાહ વાળો મેઇન રોડ ગુલાબભાઈ ડિસવાળાની દુકાન પાસે ચોકમાં જાહેર રસ્તા ઉપર પહોંચતા ચાર શખ્સો હાજર હતાં. તેમના હાથમાં હથિયાર ધારણ કરેલ હોય જેથી ચારેય શખ્સોને કોર્ડન કરી નામ પુછતાં પોતે પોતાનું નામ સિકંદર હારૂન રાઉમા (ઉવ.૩૧, ધંધો. ટ્રક ડ્રાઇવીંગ રહે.ભગવતીપરા આશાબાપીર મેઇન રોડ રાધે કૃષ્ણ મંદીરની પાછળ રાજકોટ), પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉવ.૨૩, રહે ભગવતીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૫ રાજકોટ), નવાજ સલીમ મુલતાની (ઉવ.૨૪, રહે ભગવતીપરા શેરી નં.૯ દશામાના મંદીર પાસે રાજકોટ) અને સમીર ફીરોજ શાહમદાર (ઉવ.૨૬, રહે.ભગવતીપરા નંબર ૧૦ ગુલાબભાઈ ડિસવાળાની દુકાન પાસે રાજકોટ) હોવાનું જણાવેલ હતું.
જે પૈકી સિકંદર હારૂન રાઉમા અને પ્રહલાદસિંહ જાડેજાના હાથમાં તલવાર, નવાજ મુલતાનીના હાથમાં ફરસી ટાઇપની છરી અને સમીર શાહમદારના હાથમાં લોખંડની પ્લેટમાંથી બનાવેલ તીક્ષણ હથિયાર હતા તે જે પોલીસે કબ્જે કરેલ હતાં. ચારેય શખ્સોને હથિયાર બાબતે પુછતાં જાણવા મળેલ કે, ભગવતીપરામાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો અરવિંદ બાવાજી તથા સિકંદર રાઉમાને જુની અદાવત ચાલતી હોય જેથી ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજીને મારવા માટે નીકળેલ હતા. પોલીસે આ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.