આજે થર્ટી ફર્સ્ટ છે એટલે કે 2025ના વર્ષનો છેલ્લો દિવસ. 2026ના વર્ષને આવકારવા માટે ગુજરાતના મહાનગરોમાં યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજનો પણ થયા છે. તેમજ લોકો ઉજવણી માટે રસ્તાઓ પર આવશે. જેને લઈને પોલીસે પણ પૂરતી તૈયારી કરી લીધી છે. રાતના આઠ વાગ્યાથી જ મહાનગરોમાં ચોકે ચોકે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળશે અને પીધેલાઓને ચૂટકીમાં પકડી લેશે.
રાજકોટમાં રાતના 8 વાગ્યાથી પોલીસ પેટ્રોલિંગ શરૂ કરાશે
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર જગ્યા અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આજે રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્વારા તમામ જગ્યા પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્ત્વના ચોક પાસે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહનચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસનું થર્ટી ફર્સ્ટનું જાહેરનામું
ફડાકડા રાત્રે 11.55થી 12.30 સુધી ફોડી શકાશે
જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
બાઈક કે કારમાં સ્ટંટ કરી શકાશે નહીં
જાહેરમાં એકબીજા પર પાણી કે પાણીની બોટલો ફેંકવા પર પ્રતિબંધ
તલવાર કે મોટા ચાકુથી કેક કાપી શકાશે નહીં
ગલ્લે/ચાની લારીએ ચાર વ્યક્તિ એકઠા થઈ શકશે નહીં
માદક પદાર્થો વેચવા/સેવન કરવા પર પ્રતિબંધ
મોટા અવાજવાળા હોર્ન તથા લાઉડસ્પીકર પર પ્રતિબંધ
મોઢેથી વ્હિસલ કે પિપુંડા વગાડવા પર પ્રતિબંધ
પાથરણાવાળાને ત્યાં ટોળે વળી શકાશે નહીં
થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજકો માટે
ગેટ પર ફરજિયાત નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા
ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ફરજિયાત રાખવી
માદક પદાર્થો કે કેફી પીણાંઓ ઝડપાશે તો જવાબદારી આયોજકની
પાર્કિંગ સ્થળોએ પ્રાઈવેટ સિક્યુરિટી તથા ફરજિયાત સીસીટીવી
બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે
ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરામાં થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે લોકો રસ્તાઓ પર ઉમટી પડે છે. આ માટે પોલીસ અને વહીવટી તંત્રેએ ખાસ એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ રસ્તાઓ સાંજના છ વાગ્યાથી રાતના ત્રણ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે અને વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ચારેય મહાનગરોમાં પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે.
અમદાવાદમાં 9 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે
અમદાવાદમાં સી.જી.રોડ, સિંધુભવન રોડ, એસજી હાઇવે અને કાંકરિયા ખાતે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો ઉમટી પડે છે. આ રસ્તાઓ સાંજના 6થી રાતના ત્રણ વાગ્યા સુધી વાહનો માટે બંધ કરવામાં આવશે. અમદાવાદમાં લોકોની સુરક્ષા માટે આજે રાતે 9 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે.
સુરતમાં 7 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે
સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને. પોલીસ આ વખતે અત્યાધુનિક ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે. સુરતમાં પાલ ગૌરવપથ રોડ,
ભાગળ, ડુમ્મસ રોડ અને વાય જંક્શન ખાતે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો એકત્ર થશે. આથી આ રસ્તાઓ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં 7 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે.
વડોદરામાં આ રસ્તાઓ બંધ રહેશે
વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તાઓ પર એકત્ર થાય છે. ખાસ કરીને ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ, ચકલી સર્કલ તથા શહેરના અન્ય વિસ્તારોમાં લોકો રોશની કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને ઉત્સવ મનાવીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉજવણી દરમિયાન વાહનચાલકોને અડચણ ન પડે, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે એ હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરે આ રસ્તાઓ બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.