BREAKING NEWS

ભાવનગર લઠ્ઠાકાંડના ઘેરા પડઘા: રાજકોટમાં દારૂના અડ્ડાઓ પર પોલીસની તવાઇ, 30થી વધુ સ્થળે દરોડા

  • August 20, 2026 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, પીસીબી સહિત શહેરના વિવિધ પોલીસ મથકોની ટીમોએ દેશી દારૂના અડ્ડાઓ સામે એકસાથે તવાઇ બોલાવી ૩૦થી વધુ સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી દેશી દારૂનો બેરોકટોક ધંધો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ અને હેતલ પટેલની રાહબરી હેઠળ વિવિધ ટીમોએ બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી કાર્યવાહી હાથ ધરી હતી. થોરાળા, રૈયાધાર, આંબેડકરનગર સહિતના વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ તેમજ નદીના પટમાં ચાલતી ભઠ્ઠીઓ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા શખ્સો પર પણ પોલીસની વોચ ગોઠવાઈ છે.


દરોડા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં દારૂ વેચતી મહિલાઓ સહિત અનેક શખસોને દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે દેશી દારૂનો મોટો જથ્થો તથા દારૂ બનાવવા માટે વપરાતા આથાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.


પોલીસે દેશી દારૂ સાથે વિજય પીપળીયા, વેરશી રાજપરા, વિજય ચાવડા, મેહુલ ચનાબાબરા, ઈસુબ ખેભર, કિશન પરમાર, સંતોષ ગોરાસવા, મધુ ભજીયા, રાજેશ ડાભી, ભાવનાબેન સોલંકી, હંસા સીતાપરા, શીતલ સનુરા, વિપુલ હિરપરા, સરોજ રાઠોડ, નરસિંહ રાઠોડ સહિત ૩૦થી વધુ શખ્સોને અલગ-અલગ સ્થળેથી ઝડપી કાર્યવાહી કરી છે.


વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસે મુંજકા ચોકડી પાસેથી કરણ રાઠોડને ૪૮ બોટલ સાથે, આજીડેમ પોલીસે હુસેની ચોક પાસેથી ગિરીશ પરમારને ૧૦ બોટલ સાથે તથા થોરાળા પોલીસે આજી વસાહત મેઈન રોડ પરથી ભરત મકવાણાને ૧૭ બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામેની આ ડ્રાઇવ અવિરત ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application