BREAKING NEWS

ટ્રેક્ટર રેલીમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ: ગાંધીનગર જવાની જીદ પર અડગ ખેડૂતોને અટકાવવા પોલીસે જેસીબીનો સહારો લીધો

  • June 15, 2026 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને અન્યાયી વલણ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આજે (15મી જૂન, 2026) કોંગ્રેસ દ્વારા આયોજિત '1111 ટ્રેક્ટર રેલી' રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધીની કૂચ માટે હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ઉમટી પડ્યા હતા. જોકે, વહીવટી તંત્ર દ્વારા આ રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી ન મળતા અને પોલીસે જેસીબી (JCB) આડા મૂકીને રસ્તો રોકવાનો પ્રયાસ કરતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ અને હંગામાના દ્રશ્યો સર્જાયા હતા.


સરકારની નીતિઓ સામે 'જગત ના તાત'નો આક્રોશ

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર એક તરફ ખેડૂતને 'જગતનો તાત' કહે છે, પરંતુ વાસ્તવમાં તેમને અવારનવાર સરકારની 'લાત' ખાવી પડે છે. ખેડૂતોનો મુખ્ય આક્રોશ સરકારની આયોજન વગરની નીતિઓ સામે છે. ખાસ કરીને, ગુજરાત સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પોલીસના જોરે ખેડૂતોની સંમતિ વિના તેમના ખેતરોમાં ખાનગી કંપનીઓની વીજ લાઈનો અને અન્ય પ્રોજેક્ટ્સ નાખી રહ્યા હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ જોહુકમી સામે અવાજ ઉઠાવવા માટે રાજ્યના ખૂણેખૂણેથી ખેડૂતો ટ્રેક્ટરો લઈને મેદાનમાં ઉતરી આવ્યા છે.


ગાંધીનગર કૂચ માટે મંજૂરીનો વિવાદ

આ રેલીના રૂટને લઈને શરૂઆતથી જ વિવાદ જન્મેલો હતો. કોંગ્રેસ દ્વારા શાંતિપુરાથી સીધા ગાંધીનગર સુધીના વિરોધ પ્રદર્શનનું આયોજન હતું, પરંતુ પોલીસ અને વહીવટી તંત્રએ સુરક્ષાના કારણોસર આ રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપી નહોતી. તેને બદલે રેલીને માત્ર ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન સુધી જ સીમિત રહેવાની પરવાનગી અપાઈ હતી. ખેડૂતોએ તંત્રના આ આદેશને ફગાવી દઈને ગાંધીનગર તરફ કૂચ ચાલુ રાખતા પોલીસ સાથે સીધો સંઘર્ષ થયો હતો.


JCB થી રસ્તો રોકાયો, ખેડૂતોની મક્કમતા

રેલી જ્યારે શાંતિપુરાથી આગળ વધી ત્યારે પોલીસે અટકાયતી પગલાંના ભાગરૂપે જેસીબી (JCB) મશીનો રસ્તા પર ગોઠવી દીધા હતા જેથી ટ્રેક્ટરો આગળ વધી ન શકે. પોલીસની આ કાર્યવાહીથી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થળ પર જ ઉગ્ર હોબાળો શરૂ થયો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ મક્કમ વલણ અપનાવતા જાહેરાત કરી હતી કે, "અમે ઓગણજ સભામાં નહીં જઈએ, અમારું લક્ષ્ય ગાંધીનગર છે અને અમે ત્યાં જઈને જ રહીશું". હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application