સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે 8000થી વધુ મુસાફરો ઉમટતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. માત્ર બે ટ્રેન હોવાથી ભીડ બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણ વચ્ચે મુસાફરોની હાલત કફોડી બની હતી અને વ્યવસ્થા જાળવવામાં પોલીસના પરસેવો છૂટી ગયો હતો.
હીરા અને ટેક્સટાઈલ નગરી સુરતમાં ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ વતન તરફ જનારા પરપ્રાંતીયોના ઘોડાપૂર ઉમટ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે સ્થિતિ અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક બની ગઈ છે. હજારો મુસાફરો આકરા તાપમાં છેલ્લા 16-16 કલાકથી ભૂખ્યા-તરસ્યા ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. સ્ટેશનની બહાર 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે.
ભારે ભીડ અને તંત્રની લાચારી
અંદાજે 8,000 થી વધુ મુસાફરોની ભીડ સામે રેલવે તંત્ર દ્વારા માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા અરાજકતા જેવો માહોલ સર્જાયો છે. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઉભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અપાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો તૈનાત કરાયો છે, પરંતુ ભીડ એટલી પ્રચંડ છે કે સુરક્ષાકર્મીઓના પણ પરસેવા છૂટી રહ્યા છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવતા તરસ્યા લોકો વચ્ચે બોટલો લૂંટવા માટે પડાપડી થઈ હતી, જે વહીવટી નિષ્ફળતાના વરવા દ્રશ્યો રજૂ કરે છે.
આ ભીડ પાછળના 4 મુખ્ય કારણો
1. સમર વેકેશનની અસર:
શાળાઓમાં વેકેશન પડતા જ સુરતમાં વસતા લાખો શ્રમિક પરિવારો પોતાના વતન જવા રવાના થયા છે. વર્ષ દરમિયાન કામ કરતા શ્રમિકો માટે આ સમય પરિવાર સાથે વિતાવવાનો મુખ્ય સમય હોય છે, પરિણામે ઉધના અને સુરત સ્ટેશન પર ક્ષમતા કરતા અનેકગણી ભીડ એકઠી થઈ છે.
2. લગ્નસરાની પૂરબહાર સિઝન
ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં હાલ લગ્નનો ગાળો હોવાથી લોકોમાં વતન જવાની ભારે ઉતાવળ છે. લગ્ન પ્રસંગોને કારણે મુસાફરો પાસે સામાન પણ વધુ છે, જે સ્ટેશન પરની અવ્યવસ્થામાં વધારો કરી રહ્યો છે.
3. ગેસ સિલિન્ડરની અછત
શહેરમાં હાલમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ હોવાના અહેવાલ છે. ખાવા-પીવાની સગવડ ખોરવાતા અને મોંઘવારી વધતા શ્રમિક પરિવારો વેકેશનનો લાભ લઈ વહેલી તકે વતન પહોંચી જવા માંગે છે, જેથી તેઓ આ આર્થિક બોજથી બચી શકે.
4. રેલવેની અપૂરતી સ્પેશિયલ ટ્રેનો
મુસાફરોનો સૌથી મોટો આક્રોશ રેલવે તંત્ર વિરુદ્ધ છે. દર રવિવારે લાખોની ભીડ સામે માત્ર બે જ અનઆરક્ષિત (Unreserved) ટ્રેનો દોડાવવાનું આયોજન અત્યંત અપૂરતું સાબિત થયું છે. પૂરતી સ્પેશિયલ ટ્રેનોના અભાવે લોકો જીવના જોખમે ટ્રેનમાં ચઢવા મથામણ કરી રહ્યા છે.

એક કરુણ દ્રશ્ય
આ ભીડની વચ્ચે એક હૃદયદ્રાવક કિસ્સો પણ સામે આવ્યો હતો. એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે મથામણ કરતો રહ્યો હતો. ભારે ભીડમાં તેની પત્નીના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવા માટે વતન પહોંચવાની લાચારી જોઈ અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.