BREAKING NEWS

શાપરમાં યુવકની ગળું કાપી ક્રૂર હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો, જાણભેદુ હોવાની શંકા

  • September 29, 2026 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ નજીક આવેલા શાપર ઔદ્યોગિક વિસ્તારમાં યુવકની ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ બિહારના વતની અને હાલ શાપરમાં રહીને ગાડીઓ ખાલી કરવાનું મજૂરી કામ કરતા વિનોદ ભીમભાઈ રેકદાર નામના યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, બે બાળકોના પિતા એવો મૃતક યુવક વિનોદ ગઈકાલે પોતાના ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે મોડે સુધી પરત ફર્યો નહોતો. આજે શાપરના રામદેવ નગર વિસ્તાર પાસે આવેલી કાંટાની ઝાડીઓમાંથી તેનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ શાપર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી.

શરૂઆતમાં મૃતદેહને કુતરાઓએ બચકા ભર્યા હોવાથી તેમજ મૃતદેહની સ્થિતિ જોઈને પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી હતી. પરંતુ ઘટનાસ્થળે જરૂરી પંચનામું કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબોની પ્રાથમિક તપાસ અને પીએમ રિપોર્ટ દરમિયાન યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.

યુવકની હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ પરિચિત કે જાણભેદુ વ્યક્તિનો જ હાથ હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. શાપર પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ અને છેલ્લે તે કોના સંપર્કમાં હતો તે દિશામાં સઘન તપાસ ધરીને હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News