BREAKING NEWS

ખાડો ખોદતા ડ્રમમાંથી નીકળી લાશ, દંપતીએ મિલકત પચાવવા માતા, દાદી, બહેનની હત્યા કરી, 4 વર્ષ પછી સુરત ત્રિપલ મર્ડરમાં ચોંકાવનારો ખુલાસો

  • September 30, 2026 06:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પત્ની અને તેના ભાઈને ફસાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર પતિ જ ત્રિપલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની સઘન પૂછપરછમાં આરોપી દંપતી માધવદાસ ભક્તિરામ સાધુ અને ઉર્મિલા ઉર્ફે જયાએ કબૂલાત કરી છે કે તેઓએ વર્ષ 2022માં એક પછી એક ત્રણ મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ સનસનાટીભર્યા ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી દંપતી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.   


સુરતની વૃદ્ધાની હત્યાના કેસથી ખુલ્યું રહસ્ય

અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કોસંબા ખાતે વર્ષ 2022માં થયેલી વૃદ્ધા શાંતાબહેન ગંભીરભાઈ વસાવાની હત્યાની મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીદાર માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ પર આ હત્યાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. જો કે, ક્રાઇમ બ્રાન્ચે પિતરાઈ ભાઈની અટકાયત કરીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તે સંપૂર્ણ નિર્દોષ સાબિત થયો હતો. આથી પોલીસને શંકા ગઈ અને બાતમીદાર માધવદાસની કડકાઈથી પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. માધવદાસ સાથે છેલ્લા 8 મહિનાથી અલગ રહેતી પત્ની ઉર્મિલા પોતાનો પુત્ર, રોકડ અને કિંમતી દાગીના લઈને જતી રહી હોવાથી તે અદાવત રાખતો હતો, અને તે જ કારણસર તેણે પત્ની તથા સાળાને ફસાવવા માટે આ બનાવટી વાર્તા રચી હતી.   

લકવાગ્રસ્ત માતાની જવાબદારીમાંથી છૂટવા હત્યા

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એવા ચોંકાવનારા ખુલાસા થયા કે માધવદાસની માતા મંજુલાબહેન ભક્તિરામ સાધુ લકવાગ્રસ્ત હોવાથી તેમની દૈનિક સેવા-ચાકરી કરવી પડતી હતી. આ જવાબદારી અને કંટાળામાંથી કાયમ માટે છૂટકારો મેળવવા માટે આ નિર્દય દંપતીએ મોઢા પર ઓશીકું દબાવીને પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી અને બાદમાં કોઈને શંકા ન જાય તે માટે અગ્નિસંસ્કાર પણ કરી દીધા હતા.   


દાદી અને બહેની પણ કરાઈ ઘાતકી હત્યા

માતા બાદ દાદી શાંતાબહેનના મકાનો અને તેમની રોકડ તથા દાગીના પચાવી પાડવાના નાપાક દંપતીએ હદ વટાવી દીધી હતી. દાદી સાથે રહેતી અને ટીબીની બીમારીથી પીડાતી પૌત્રી ભગવતી કમલેશભાઈ વસાવાની પણ ઓશીકું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો. આટલું પૂરતું ન હોય તેમ અંતે વૃદ્ધ દાદી શાંતાબહેનની પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ એક બેરલમાં મૂકીને તેમાં સિમેન્ટ ભરી દીધા બાદ જમીનમાં ઊંડો ખાડો ખોદીને છુપાવી દીધો હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News