BREAKING NEWS

હું નોકરી મૂકી દઉં અને 302 કરી નાખું કહી રાજકોટમાં કારખાનેદારને પોલીસમેનની ધમકી

  • August 18, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના મવડી રોડ નજીક રહેતા કારખોદાર યુવાનને ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે રાત્રીના સમયે 36 ફોન કરી ખૂનની ગર્ભિત ધમકી આપી હતી. જે અંગે યુવાને કોર્ટમાં અરજી કર્યા બાદ આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મવડી રોડ પર ન્યુ માયાણીનગર શેરી નં.-2 માં રહેતા સ્મીતભાઇ કિશોરભાઇ સખીયા(ઉ.વ.૨૬) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન ભગીરથસિંહ ઝાલાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે લક્ષ્મીનગર શેરી નં. ૦૩ ખાતે સંજય ઇન્ડસ્ટ્રીઝ નામથી કારખાનુ ચલાવે છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.૨૩/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રીના સમયે તે ઘરે સુતો હતો. ત્યારે મારા મિત્ર સુખદેવસિંહ ઝાલાનો તેના ફોનમાં સ્નેપચેટ એપ્લીકેશનમા ફોન આવ્યો હતો. મિત્રએ જણાવેલ કે, ભગીરથસિંહ ઝાલા તમારો ફોન નંબર માગે છે હું તેમને તમારો નંબર આપુ ? જેથી નંબર આપવાની હા પાડી યુવાન સુઈ ગયો હતો. બાદ તા.૨૪/૦૬/૨૦ ૨૬ ના રોજ વહેલી સવારના ચાર થી છ વાગ્યાના અરશામા યુવાનના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યાના મેસેજીસ આવતા હતા. જેથી તે નંબર પર ફોન કરતા સામાવાળા વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે, તું મને ઓળખશ ? જેથી યુવાને કહ્યું હતું કે, હા ભગીરથસિંહ ઝાલા. બાદ તેણે કહ્યું હતું, તું કયા છો ? મારે તને મળવું છે. જેથી યુવાને કહ્યું હતું કે રાત્રે થોડુ મળવાનું હોય કાલ સવારે મળશું. બાદ ભગીરથસિંહે કહ્યું કે, મારે કામ છે, અત્યારે મળીએ. જેથી યુવાને કહ્યું હતું કે હું ઘરે છું. જેથી તેણે કહ્યું હતું કે, એવું હોય તો હું તમારા ઘર પાસે આવું, આપણે બે મીનીટ મળીએ. જવાબમાં યુવાને કહ્યું હતું કે, અત્યારે મારે મળવું નથી તમારે મારૂ શું કામ છે ? અને શેના માટે મળવું છે ? તેમ વાત કરતા ભગીરથસિંહે અત્યારે જ મળવું છે તેમ રટણ કર્યું હતું.

યુવાને મળવાની ના પાડતા તેણે કહ્યું હતું કે, મને ઓળખવામા તારી ભુલ થાય છે, હું મારી નોકરી મુકી દઉ અને ૩૦૨ કરી નાખુ, જો તારા ફોનમા રેકોર્ડીંગ થતુ હોય તો કરી લેજે, હું ગમે તે કરી નાખુ અને આ રેકોર્ડિંગ વાયરલ થાય તો મને કાંઈ ફેર નથી પડતો, હું સીસ્ટમમાં નથી, સીસ્ટમ મારી પાસે છે તેવી વાત કરતા હતા. યુવાને કંટાળીને ફોન રાખી દીધો હતો.

આ સમયગાળા દરમિયાન ભગીરથસિંહ ઝાલાએ યુવાનને આશરે ૩૬ જેટલા ફોન કર્યા હતા. ભગીરથસિંહ ઝાલાએ યુવાનને કોઈ પણ કારણ વગર ફોન કરીને બોલાવતા યુવાને રાત્રીનો સમય હોય સવારે મળીશુ તેમ કહેતા ઉશ્કેરાઈ ખૂનની ગર્ભિત આપતાં યુવાને પોલીસમાં અરજી કરી હતી. પરંતુ કોઇ પગલાં ન લેવાતા હાઇકોર્ટમાં અરજી કર્યા બાદ પોલીસમેન ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્મિત સખીયાને ફોન કરી ધમકી આપનાર ભગીરથસિંહ ઝાલા ભક્તિનગર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને અગાઉ એક સોની વેપારીના પ્રકરણમાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application