મેડીકલ ક્ષેત્રે ગુજરાત પર અમદાવાદના ખ્યાતી કાંડ એક કાળો ડાઘ લગાવ્યો છે અને જામનગરમાં પણ મીની ખ્યાતી કાંડ જેવો ખેલ આચરાયો હોવાનો ઘટસ્ફોટ ખુદ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયે કરી દીધા બાદ આજે અગીયારમાં દિવસે પણ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ સામે અને તેમા જવાબદાર જે હોય તેની સામે પોલીસમાં ગુનો નોંધવા સહિતના કોઇ આક્રમક પગલા લેવાયા નહીં હોવાથી એવી શંકા પ્રબળ બની છે કે, કદાચ આ હાર્ટ ઇન્સ્ટીટયુટને રાજકીય ઓથ મળી છે, વાત તો ત્યાં સુધી આવે છે કે ગુજરાત કક્ષાના હાલ હાંસીયામાં ધકેલાયેલા જે તે સમયના એક કદાવર નેતાનો સાથ મળ્યો છે જેની ખરાઇ આજકાલ દ્વારા પણ કરવામાં આવી છે.
તા. ૧૩ નવેમ્બરના રોજ ગુજરાતના આરોગ્ય મંત્રાલય તરફથી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં પીએમજેએવાય યોજના તળે ગેરરીતી આચરવામાં આવી હોવાનો ધડાકો કર્યો હતો, શું ગેરરીતી થઇ હતી તે આ પહેલાના અહેવાલોમાં પ્રસિઘ્ધ થઇ ચુકયું છે, જયારે આરોગ્ય મંત્રાલયે આ વાત પરથી પડદો ઉઠાવ્યો ત્યારે જ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા તબીબ ડો. પાર્શ્ર્વ વોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ પગલા ગેરરીતીના ઘટસ્ફોટ સમયે જ લઇ લેવામાં આવ્યા હતા, આ પછી તાબડતોબ એ જ દિવસે સાંજે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટના ટ્રસ્ટીઓએ મારતે ઘોડે પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં પોતાના ખુલાસા કર્યા હતા એ બાબત પણ પ્રસિઘ્ધ થઇ ચુકી છે, પરંતુ એ સમયે ટ્રસ્ટીઓ દ્વારા એવી વિગતો જાહેર કરાઇ હતી કે, હાર્ટ ઇન્સ્ટીટયુટમાં ગેરરીતી આચરવા માટે જે જવાબદાર હોય તેની સામે પોલીસ ફરીયાદ પણ નોંધાવવામાં આવશે.
ગેરરીતી ઉજાગર થયાને આજે ૧૧ દિવસ પુર્ણ થઇ ગયા છે પરંતુ હજુ સુધી ટ્રસ્ટીઓ દ્વારા ફરીયાદ કરવાની જે વાત કરવામાં આવી હતી તેનું અમલીકરણ કરાયું નથી, શું કામ તેઓ ફરીયાદ કરતા ડરે છે એ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.
રહી આરોગ્ય મંત્રાલયની વાત તો એમના તરફથી તો જે તે સમયે આ ગેરરીતીની વિગતો જાહેર કરાઇ ત્યારે સસ્પેન્શનના પગલા માત્ર લેવાયા હતા, આ પછી કોઇપણ કારણે રાજયનું આરોગ્ય મંત્રાલય પણ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ મામલે ખામોશ છે, એ બાબત પણ આશ્ર્ચર્યજનક બની છે.
કારણ કે અમદાવાદમાં જયારે ખ્યાતી કાંડ આચરવામાં આવ્યું ત્યારે પગલા યુઘ્ધના ધોરણે લેવાયા હતા, ડો. વજીરાણી અને ખ્યાતીના ચેરમેન સહિતના જવાબદારો સામે ગુનો નોંધીને ધરપકડો કરવામાં આવી હતી, તો સવાલ એ ઉઠે છે કે જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટને કયા આધારે કિલનચીટ આપવામાં આવી રહી છે અથવા આપવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે અથવા વિલંબ થઇ રહયો છે.
કર્ણોપકર્ણ એવું સંભળાય છે કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટને મોટા ગજાના રાજકારણીઓની કદાચ ઓથ મળી ગઇ છે, આ કારણે હાલમાં જે તે જવાબદાર તબીબ અને મેનેજમેન્ટ મીઠી નીંદર માણી રહયા છે.
જયારે આ ગેરરીતી ઉજાગર થઇ એ પછી જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટના લાંબા હાથ ધરાવતા મેનેજમેન્ટના કેટલાક ચહેરા તાબડતોબ ગાંધીનગર દોડી ગયા હતા અને ડેમેજ ક્ધટ્રોલ કરી લીધું હતું. વાત તો ત્યાં સુધીની પણ થાય છે કે આ મેનેજમેન્ટ સાથે ગુજરાત કક્ષાના એક કદાવર નેતા પણ ખભેથી ખભા મીલાવીને સાથે ઉભા હતા, હાલ આ નેતા રાજકીય દ્રષ્ટીકોણથી હાંસીયામાં ધકેલાયેલા છે, પરંતુ ગુજરાત સરકારમાં એમની થોડી ઘણી ચાલતી હોવાનું પણ નકારી શકાય નહીં. ગેરરીતીનો ભોગ બનેલા લોકો ધીમે ધીમે આગળ આવી રહયા છે અને આગામી દિવસોમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં સારવાર મેળવી ચુકેલા વધુ લોકો પણ સામે આવશે, ઇન્તેજાર એ બાબતનો છે કે આકરા પગલા કયારે લેવાય છે.